સુરતના વેપારીને અજાણ્યા વ્યક્તિ સાથે સોનાના દાગીનાની ડીલ કરવી ભારે પડી
રાજા રાણીના સિક્કા, આઠેક કિલોના સોનાના પાવલી જેવા સિક્કા, બે અઢી કિલોની સોનાની માળા, હાથના કડા અને સોનાનો કમરપટ્ટો હોવાનું કહી છેતરપિંડી કરી
અમદાવાદ, સુરતના વેપારીને અજાણ્યા વ્યક્તિ સાથે સોનાના દાગીનાની ડીલ કરવી ભારે પડી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. વેપારીને એક શખ્સે ફોન કરીને પોતે મજૂરોનો ઠેકેદાર હોવાની ઓળખ આપી હતી. બાદમાં ખોદકામ દરમિયાન રાજા રાણીના સિક્કા અને સોનાના દાગીના સહિત મુલ્યવાન વસ્તુઓ મળી હોવાનું કહેતા વેપારી તેને ખરીદવાની લાલચમાં આવી ગયા હતા.
વેપારીએ આ દાગીના ખરીદવા માટે અલગ અલગ લોકો પાસેથી ઉછીના નાણાં લઇને ૯૯ લાખ આપીને શખ્સ પાસેથી દાગીના લીધા હતા. બાદમાં તે સોની પાસે ખરાઇ કરાવતા દાગીના નકલી હોવાનું સામે આવતા પોલીસ ફરિયાદ નોંધાવી છે. જે મામલે વિરમગામ ટાઉન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સુરતમાં રહેતા નિકુંજભાઇ કાછડીયા ખુરશી, ગાદલા, ઓશીકાનો વેપાર કરે છે.
ગત તા.૧૬ ફેબ્રુઆરીએ નિકુંજભાઇના ભાગીદાર પર એક અજાણી વ્યક્તિએ મજૂરોનો ઠેકેદાર હોવાનું કહીને ફોન કર્યો હતો. જયેશ નામના શખ્સે ખોદકામ દરમિયાન સોના ચાંદીની વસ્તુ તથા રાજારાણીના સિક્કા મળ્યા હોવાથી તેના વેચાણ બાબતે વાત કરી હતી.
બાદમાં નિકુંજભાઇએ ગઠિયા સાથે વાત કરતા તેણે પોતાની પાસે રાજા રાણીના સિક્કા, આઠેક કિલોના સોનાના પાવલી જેવા સિક્કા, બે અઢી કિલોની સોનાની માળા, હાથના કડા અને સોનાનો કમરપટ્ટો હોવાનું જણાવ્યુ હતું. બાદમાં આ શખ્સે બગોદરા ચોકડી ખાતે ખાતે બોલાવીને નિકુંજભાઇને એક બંટી બબલી સાથે મળાવીને દાગીના બતાવ્યા હતા.
નિકુંજભાઇ તે દાગીના સુરત ખાતે સોનીને બતાવવા લઇ ગયા હતા. ત્યાં સોનીએ અસલ હોવાનું જણાવતા નિકુંજભાઇ પરત બગોદરા ગયા હતા અને દાગીના ખરીદવા તૈયારી બતાવી હતી. બાદમાં નિકુંજભાઇએ અલગ અલગ લોકો પાસેથી પૈસા માંગીને ૯૯ લાખ ભેગા કરીને વિરમગામ પહોંચ્યા હતા. ત્યાં આ ટોળકીએ દાગીનાની કિંમત ૧.૦૫ કરોડ હોવાનું કહીને ૯૯ લાખમાં ડીલ કરી હતી.
નિકુંજભાઇ આ દાગીના લઇને સુરત ગયા અને બીજા દિવસે સોનીને બતાવતા તમામ દાગીના નકલી હતા. જેથી નિકુંજભાઇ આ ગઠિયાને વિરમગામ શોધવા પણ ગયા હતા. જો કે તેની ભાળ ન મળતા અને નંબર બંધ આવતા વિરમગામ પોલીસને જાણ કરી હતી. જે મામલે વિરમગામ ટાઉન પોલીસે જયેશ સહિત ત્રણ લોકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.