એક દાયકાથી પથારીવશ તામિલનાડુના દર્દીને હોસ્પિટલમાં નવજીવન મળ્યું
![](https://westerntimesnews.in/wp-content/uploads/2023/10/Hospital.jpg)
અમદાવાદ, કેડિલા ફાર્માસ્યુટિકલ્સની સખાવતી શાખા ઈન્દ્રશીલ કાકા-બા અને કલાબુધ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટે કરૂણા અને તબીબી નિપુણતાનુ ઉદાહરણ પુરૂ પાડીને તામિલનાડુના એક દર્દીને નવુ જીવન બક્ષ્યુ છે.
આધેડ વયનો દર્દી વિલ્સન કુનુરનો વતની છે. બંને થાપા અને ઢીંચણમાં ઈન્ફેકશનને કારણે તેના માટે હરવા-ફરવાનો પડકાર ઉભો થયો હતો. આ કારણે તેના આરોગ્યને તો માઠી અસર થઈ હતી જ પણ પરિવારની આજીવિકાની સમસ્યા ઉભી થઈ હતી.
નાણાંકીય તકલીફને કારણે તામિલનાડુમાં સારવાર મેળવવાની વિલ્સનની ઈચ્છા પૂરી થઈ નહી. સદનસીબે તેનો સંપર્ક કેડિલા ફાર્મ્સ્યુટિકલ્સના સીએસઆર પ્રયાસોના ભાગરૂપે તમિલનાડુમાં મેડિકલ કેમ્પનુ સંચાલન કરી રહેલા ઈન્દ્રશીલ કાકા-બા અને કલાબુધ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટના એક ટ્રસ્ટી ડો. ભરત ચોંપાનેરીયા સાથે થયો.
વિલ્સનની સ્થિતિની ગંભીરતા જોતાં તેમનામાં કરૂણા પેદા થઈ. ભરતભાઈએ દર્દી જો ભરૂચ જીલ્લામાં હાંસોટ સુધી આવી શકે તેમ હોય તો જરૂરી તબીબી સારવાર પૂરી પાડવાની તૈયારી દર્શાવી. પોતાનુ આરોગ્ય સુધારવાની તથા દુર્દશા નિવારવાની ઈચ્છાથી વિલ્સન તામિલનાડુથી હાંસોટ સુધીના કાકા-બા હાસ્પિટલ સુધીના આ પ્રવાસ માટે તૈયાર થયા.
હાંસોટમાં નિષ્ણાત ડોકટરોએ તેમની વ્યાપક તપાસ કરી. એ પછી તેમની થાપા અને ઢીંચણની રિપ્લેસમેન્ટ સર્જરી કરવામાં આવી. વર્ષો પછી વિલ્સન હવે પોતાના પગ ઉપર ઉભો રહી શકે છે અને હલનચલન કરી શકે છે. સર્જરીનો કુલ ખર્ચ અંદાજે રૂ. ૨૦ લાખ થયો કેડિલા હાસ્પિટલે આ ખર્ચ ઉદારતાપૂર્વક માફ કરી દીધો છે. કંપનીએ દર્દીના પ્રવાસનો તથા અન્ય ખર્ચ પણ ભોગવ્યો છે.