ટ્રેનમાં દરવાજા પર બેઠેલા મુસાફરનો ચોરે મોબાઇલ ખેંચવાનો પ્રયાસ કર્યાે
(એજન્સી)સુરત, સુરતમાં ભેસ્તાન અને ઉધના સ્ટેશન વચ્ચે દોડતી પેસેન્જર ટ્રેનમાં દરવાજા પર બેઠેલા મુસાફરનો મોબાઈલ ઝુંટવવાનો પ્રયાસ કરાયો હતો. જેથી મોબાઈલ બચાવવા જતાં મુસાફર સંતુલન ગુમાવીને નીચે પટકાયો અને ટ્રેન અડફટે આવી જતા જમણો પગ કપાઇ ગયો હોવાની ઘટના બની હતી.
ભેસ્તાન રેલવે સ્ટેશન નજીકથી પેસેન્જર ટ્રેન પસાર થઈ રહી હતી. ત્યારે અજાણ્યા વ્યક્તિએ ટ્રેનના દરવાજા પાસે બેઠેલા ૩૦ વર્ષના મુસાફર મોહમદ ઈર્શાદ આલમનો મોબાઈલ ખેંચવાનો પ્રયાસ કર્યો હતો પણ મોબાઈલ બચાવવા પ્રયાસમાં તે દોડતી ટ્રેનમાંથી નીચે પડી ગયો હતો
અને ટ્રેનની અડફટે આવતા તેનો જમણો પગ કપાઈ ગયો હોવાની ઘટના ઘટી હતી. સ્થાનિકો દ્વારા ૧૦૮ને જાણ કરતાં એમ્બ્યુલન્સમાં તેને નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં ટ્રોમા સેન્ટરમાં તેની સારવાર શરૂ કરાઇ હતી. ડોકટરે જણાવ્યું કે, યુવાનને માથાના ભાગે ડાબા પગ સહિત શરીરે પણ ઈજા પહોંચી હતી.