વકફની કથિત મનમાની સામે એક હજાર ચર્ચોએ મોરચો માડ્યો
(એજન્સી)થિરૂવનંતપૂરમ, વક્ફ બોર્ડ સંશોધન બિલને લઈને સમગ્ર દેશમાં હોબાળો મચેલો છે. મુસ્લિમ સમાજનો એક મોટો વર્ગ આ બિલના વિરુદ્ધમાં અવાજ ઉઠાવી રહ્યો છે, જ્યારે ઘણા હિન્દુ સંગઠનો બિલના સમર્થનમાં ઉતર્યા છે. સમગ્ર દેશમાં આ બિલને લઈને બબાલ મચેલી છે ત્યારે કેરળમાં એક અલગ જ પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે. અહીં વકફની કથિત મનમાની સામે એક હજાર ચર્ચોએ મોરચો માડ્યો છે.
એક રિપોર્ટ પ્રમાણે કેરળના ચર્ચનો આરોપ છે કે, વક્ફ બોર્ડ મોટી સંખ્યામાં ગ્રામવાસીઓની જમીન પર બળજબરીથી કબજો કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. હાલમાં ચર્ચ દ્વારા કોચીના મુનામ્બમ અને ચેરાઈ ગામમાં જમીન વિવાદને લઈને વિરોધ કરવામાં આવ્યો છે.
હકીકતમાં કેરળના કોચી જિલ્લામાં મુનામ્બમ અને ચેરાઈ નામના બે ગામ છે. ગામના સ્થાનિક લોકોનો આરોપ છે કે, વક્ફ બોર્ડ તેમની જમીન અને મિલકત પર ગેરકાયદેસર કબજો કરવા માંગે છે અને તેથી બોર્ડે તેમના પર દાવો કર્યો છે.
ગામના ખ્રિસ્તી પરિવારોનું કહેવું છે કે, તેઓ લાંબા સમયથી તેમની મિલકત પર ટેક્સ જમા કરાવી રહ્યા છે. તેની પાસે તેની રસીદો પણ છે. જે જમીનો પર વકફ દાવો કરી રહ્યું છે, તે પણ સ્થાનિક લોકોના નામે નોંધાયેલ છે, તો પછી વકફ બોર્ડ તેનો દાવો કેવી રીતે કરી શકે? કેરળના ચર્ચ આ મુદ્દે ખૂબ જ ગુસ્સે થયું છે.
ચર્ચનું કહેવું છે કે ખ્રિસ્તી પરિવારો એ જમીનો પર રહે છે, જેના પર વક્ફ બોર્ડ ઘણી પેઢીઓથી દાવો કરી રહ્યું છે. કેરળની આ જમીન પર વકફ દ્વારા દાવો કરવાનો મુદ્દો એટલો આગળ વધી ગયો છે કે, ખ્રિસ્તી સમુદાયના ઘણા લોકો તેના વિરોધમાં ભૂખ હડતાળ પર ઉતરી આવ્યા છે અને આ આંદોલન મોટા પાયે વધે તેવી યોજના બનાવવામાં આવી રહી છે.
મુનામ્બમ ભૂ સંરક્ષણ કમિટીના વિરોધકર્તાઓએ એલાન કર્યું છે કે, જો આ પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો તેઓ કોઈપણ હદ સુધી વિરોધ- પ્રદર્શન કરશે. સિરો માલાબાર ચર્ચના ચીફ મેજર આર્કબિશપ રાફેલ થાટિલે કહ્યું કે, ‘અમે કેન્દ્ર અને રાજ્ય સરકારોને હસ્તક્ષેપ કરીને મુનમ્બમ મુદ્દાને ઉકેલવા અપીલ કરી છે. આ એક માનવતાવાદી મુદ્દો છે.
બંધારણ પ્રમાણે લોકતાંત્રિક રીતે આનો ઉકેલ લાવવો જોઈએ. શનિવારે આર્કબિશપે મુનમ્બમમાં ભૂખ હડતાળ પર બેઠેલા લોકોને પણ મળ્યા હતા. વક્ફ બોર્ડના દાવા સામે રવિવારે જે વિરોધ થયો હતો તેનું નેતૃત્વ સિરો માલાબાર ચર્ચ કરી રહ્યું છે. સિરો માલાબાર ચર્ચના નેતૃત્વમાં રવિવારે એક હજાર ચર્ચોએ વિરોધ કર્યો. ચર્ચ સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર, આ કાર્યક્રમનું આયોજન ચર્ચના સત્તાવાર સમુદાય સંગઠન ઓલ કેરળ કેથોલિક કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું હતું.