મક્તમપુરામાં કુલ 11 ગેરકાયદે બાંધકામો તોડી નંખાયાઃ ગેરકાયદે શેડ દૂર કરાયો
પૂર્વ ઝોન નિકોલમાં ઈન્ડસ્ટ્રિયલ પ્રકારના ગેરકાયદે બાંધકામને જમીનદોસ્ત કરી દેવાયું
(એજન્સી)અમદાવાદ, મ્યુનિસિપલ કોર્પાેરેશનના સત્તાવાળાઓએ ઓપરેશન ડિમોલિશન હેઠળ પૂર્વ ઝોનના નિકોલમાં ઈન્ડસ્ટ્રિયલ પ્રકારના ગેરકાયદે બાંધકામને જમીનદોસ્ત કર્યું હતું તેમજ નિકોલમાં એક ધાર્મિક દબાણને પણ હટાવવામાં આવ્યું હતું.
પૂર્વ ઝોનના નિકોલ વોર્ડમાં આવેલી ટીપી સ્કીમ નં. ૧૧૭ (કઠવાડા)ના ફાઈનલ પ્લોટ નં. ૧૩૬/૨ માં આવેલી વિનાયક ઈન્ડસ્ટ્રિયલ એસ્ટેટ-૩ના શેડ નં. ૧૧૯માં ગેરકાયદે બાંધકામકર્તાએ એક ઈન્ડસ્ટ્રિયલ પ્રકારનું યુનિટ ઉભું કરી દીધું હતું. આશરે ૧,૨૯૧ ચોરસફૂટ બાંધકામને દૂર કરવા માટે તંત્રએ કાયદાકીય પ્રક્રિયા હાથ ધરી હતી. જો કે ગેરકાયદે બાંધકામ કરનારે તંત્રની નોટિસની અવગણના કરી હતી, જેના કારણે પૂર્વ ઝોનના એસ્ટટે અને ટીડીઓ વિભાગના સ્ટાફે જેસીબી, દબાણ વાન, ખાનગી મજૂરોની મદદથી તેને તોડી નાખ્યું હતું.
આ સિવાય પૂર્વ ઝોનના નિકોલ વોર્ડમાં તંત્રએ ચાર શેડ, એક હવાડો અને એક ધાર્મિક દબાણને પણ દૂર કર્યું હતું. વસ્ત્રાલ વોર્ડમાં પણ સત્તાવાળાઓ દ્વારા છ શેડ અને એક ધાર્મિક દબાણને હટાવાયું હતું.
પૂર્વ ઝોનમાં ટ્રાફઇકને નડતરરૂપ આડેધડ પાર્ક કરાયેલા ૪૫ વાહનોને તાળાં મારીને તંત્રએ રૂ. ૧૧૫૦૦નો દંડ પણ વસૂલ્યો હતો, જેમાં વસ્ત્રાલમાં છ વાહનોને તાળાં મારીને રૂ. ૧૨૦૦, નિકોલમાં ૧૦ વાહનોને તાળાં મારીને રૂ. ૧૮૦૦, ઓઢવમાં ૧૦ વાહનોને તાળાં મારીને રૂ. ૩૦૦૦, વિરાટનગરમાં આઠ વાહનોને તાળાં મારીને રૂ. ૧૫૦૦, રામોલ – હાથીજણમાં છ વાહનોને તાળાં મારીને રૂ. ૩૦૦૦ અને અમરાઈવાડીમાં છ વાહનોને તાળા મારીને રૂ. ૧૦૦૦નો દંડ વસૂલવામાં આવ્યો હતો.
આ ઉપરાંત દક્ષિણ પશ્ચિમ ઝોનમાં મક્તમપુરામાં ફતેહવાડી કેનાલના પાછળના નોન ટીપી વિસ્તારમાં મોજે ફતેહવાડીના રેફરન્સ સર્વે નં. ૪૧, ૫૪૩, ૫૪૪, ૫૪૬, ૫૬૪, ૫૫૮ પૈકીના એગ્રીકલ્ચર ઝોનમાં ગ્રાઉન્ડ ફ્લોર તથા ફર્સ્ટ ફ્લોરનું શેડ પ્રકારનું ગેરકાયદે બાંધકામ ઉભું કરાયું હતું. આ બાંધકામ સામે તંત્રએ જીપીએમસી એક્ટ, ૧૯૪૯ની કલમ ૨૬૭, ૨૬૦ મુજબની નોટિસ ફટકારીને તેને ગેરકાયદે જાહેર કર્યું હતું.
આ ઉપરાંત આ ગેરકાયદે બાંધકામને આગળ વધતું અટકાવવા માટે તેને સીલ પણ મારી દેવાયું હતું. જો કે ગેરકાયદે બાંધકામકર્તાએ તંત્રના આકરાં પગલાં સામે બેજવાબદારી દાખવતાં સત્તાવાળાઓએ સરખેજ પોલીસ સ્ટેશન ખાતે પોલીસ બંદોબસ્તની માંગણી કરી હતી.
મ્યુનિસિપલ એસ્ટેટ અને ટીડીઓ વિભાગે ૧૪ અને ૧૫ ફેબ્રુઆરીના રોજ પોલીસ બંદોબસ્તની માંગણી કરતાં તે મુજબ બંદોબસ્ત મળવાથી તંત્રએ રહેણાક સ્કીમ પ્રકારના કુલ ૪૩ યુનિટ પૈકી કુલ ૧૧ ગેરકાયદે બાંધકામને તોડી નાખ્યા હતાં. રહેણાક સ્કીમ પ્રકારના કુલ ૨૯,૯૭૭ ચોરસ ફૂટ ક્ષેત્રફળમાં બાંધકામ કરાયું છે, આ બાંધકામને તોડી નાખવાની કામગીરી ત્રણ હિટાચી, ત્રણ જેસીબી, પાંચ બ્રેકર, બે ગેસ કટર, ૭૫ ઘણ-કોશ સાથેના મજૂરો, બે દબાણ ગાડીની મદદ લેવામાં આવી હતી.