Western Times News

Gujarati News

100 થી વધુ કન્જક્ટિવાઇટીના કેસ નોંધાયેલ ૫ જિલ્લામાં કુલ ૧૧૭૪ કેસ નોંધાયા

File

કન્જક્ટિવાઇટીસ રોગ થી ગભરાવવા નહીં પરંતુ સાવચેતી રાખવા અનુરોધ કરતા આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશ પટેલ

રાજ્યના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર થી લઇ સિવિલ હોસ્પિટલમાં કન્જક્ટિવાઇટીસ રોગ ની સારવાર માટેની જરૂરી દવાઓ અને સારવાર ઉપલબ્ધ

આ વર્ષે મેલેરિયાના ૯૫૩ અને ડેન્ગ્યુના ૬૫૦ કેસ નોંધાયા

રાજ્ય સરકારના પ્રવક્તા અને આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે રાજ્યના નાગરિકોને પ્રવર્તમાન સમયમાં કેટલાક જિલ્લામાં જોવા મળી રહેલા કન્જક્ટિ વાઇટીસ રોગ થી ગભરાવવા નહીં પરંતુ તકેદારી રાખવા અનુરોધ કર્યો છે.

રાજ્યના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર થી લઇ સિવિલ હોસ્પિટલમાં કન્જક્ટિવાઇટીસ રોગની સંપૂર્ણ સારવાર અને દવાનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ હોવાનું પણ મંત્રીશ્રીએ ઉમેર્યુ હતુ.હાલ રાજ્યમાં ૧૦૦ થી વધુ કન્જક્ટિવાઇટીસના કેસ નોંધાયા હોય તેવા મુખ્ય પાંચ જિલ્લા અમરેલી, ખેડા(નડિયાદ),નવસારી, આણંદ અને સુરત છે. આ પાંચ જિલ્લામાં કુલ ૧૧૭૪ જેટલા કેસ નોંધાયા છે.

તદ્અનુસાર અમરેલી જિલ્લામાં ૩૧૨, ખેડા જિલ્લામાં ૨૮૦, નવસારી જિલ્લામાં ૨૬૧, આણંદ જિલ્લામાં ૧૯૬ અને સુરત જિલ્લામાં ૧૨૫ જેટલા કેસ તારીખ ૧૮ જુલાઇની સ્થિતીએ જોવા મળ્યા છે.

કન્જક્ટિવાઇટિસ રોગના અટકાયત અને સધન સારવાર અર્થે આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લા સ્તર સુધી તમામ આરોગ્ય કર્મીઓની જરૂરિયાત મુજબની દવાઓ અને સારવાર ઉપલબ્ધ કરાવવા અને જન જાગૃતિની વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવા માટે સુચના પણ આપવામાં આવી હોવાનું મંત્રીશ્રીએ કહ્યું હતુ.

વધુમાં વરસાદી ઋતુમાં પાણીજન્ય અને વાહકજન્ય રોગ અટકાયત માટે પણ રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા સધન કામગીરી હાથ ધરી હોવાનું આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ પટેલે જણાવ્યુ હતુ.

૧૮ જુલાઇ ૨૦૨૩ ની સ્થિતિએ રાજ્યમાં ૮૫ લાખ બ્લડ ટેસ્ટ કરવામાં આવ્યા છે જેમાંથી ૯૫૩ મેલેરિયા કેસ નોંધાયા છે જ્યારે ૩૯ હજાર સીરમ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે જેમાંથી ૬૫૦ ડેન્ગ્યુના કેસ નોંધાયા હોવાનું મંત્રીશ્રીએ ઉમેર્યુ હતુ.રાજયમાં વાહક જન્ય રોગ અટકાયત માટે ૪૪૪ વેક્ટર કંટ્રોલ ટીમ કાર્યરત કરાઇ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.