કુલ ૧૮૪ ગુજરાતી માછીમારોની વતન વાપસી

ગાંધીનગર, પાકિસ્તાનની જેલમાં રહેલા ભારતીય માછીમારોના એક સમુહને મુક્ત કરવામાં આવતા તે વાઘા બોર્ડરથી આજે વહેલી સવારે વડોદરા ખાતે આવી પહોંચ્યા હતા. ચારેક વર્ષના અંતરાલ બાદ ગુજરાત પરત ફરેલા આ માછીમારોએ શ્વાસમાં વતનની સુગંધનો દરિયો ભરી લીધો હતો.
વડોદરા ખાતે આ સમુહનું ટ્રેન મારફત આગમન થતાં મંત્રી રાઘવજી પટેલ સહિતના આગેવાનો દ્વારા હારતોરા કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ માછીમારોએ કોરોનાનો મહત્વનો તબક્કો પાકિસ્તાનની જેલમાં પસાર કર્યો છે.
અરબી સમુદ્રમાં ભારતીય જળસીમામાં માછીમારી કરવા જતાં સાગરખેડૂઓને પાકિસ્તાન દ્વારા પકડી લેવામાં આવે છે અને તેનાં પર ત્યાંના કાયદાનુસાર કેસ ચલાવીને જેલમાં પૂરી દેવામાં આવે છે. ભારતીય જળ સીમામાંથી પકડાયેલા મોટાભાગના માછીમારોને કરાંચી નજીક આવેલી લાટી જેલમાં રાખવામાં આવે છે.
પાકિસ્તાનની જેલમાં રહેલા ગુજરાતી માછીમારોને છોડાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કૃષિ મંત્રી રાઘવજી પટેલ ઉપરાંત કેન્દ્રીય રાજ્યમંત્રી પુરુષોત્તમ રૂપાલાએ કેન્દ્ર સરકાર સાથે સતત સંપર્ક સાધ્યો હતો. ગુજરાત સરકારના ઉક્ત પ્રયત્નોને પરિણામે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી એસ. જયશંકરે પાકિસ્તાનની જેલમાં રહેલા ભારતીય માછીમારોને છોડાવવા માટે રાજદ્વારી પ્રયાસો કરતા તેને સફળતા મળી હતી અને પાકિસ્તાનના સત્તાધિશો દ્વારા ૧૯૮ ભારતીય માછીમારોને મુક્ત કરવાનો ર્નિણય લેવામાં આવ્યો હતો.
મુક્ત કરવામાં આવેલા માછીમારો પૈકી ગુજરાતના ૧૮૪, આંધપ્રદેશના ૩, દિવના ૪, મહારાષ્ટ્રના ૫ અને ઉત્તરપ્રદેશના ૨નો સમાવેશ થાય છે. ગુજરાતની ૧૮૪ વ્યક્તિમાં ગિર સોમનાથ જિલ્લાના ૧૫૨, દેવભૂમિ દ્વારકાના ૨૨, જામનગર, જુનાગઢ, કચ્છ, વલસાડ અને નવસારીના એક-એક, પોરબંદરના પાંચ માછીમારોને પાકિસ્તાનની જેલમાંથી મુક્તિ મળી છે.SS1MS