Western Times News

Gujarati News

પશુચિકિત્સા અધિકારી વર્ગ-૨ની કુલ ૨૯૦ જગ્યાઓ ભરવામાં આવી: કૃષિ મંત્રી 

વર્ષ ૨૦૨૫-૨૬ના બજેટમાં ૨૫૦ પશુચિકિત્સા અધિકારીની  જગ્યા સાથેના નવા ૨૫૦ સ્થાયી પશુદવાખાના માટેની જોગવાઈ મંજૂર કરાઈ

વિધાનસભા ગૃહમાં કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે જણાવ્યું કે પશુચિકિત્સા અધિકારીની ખાલી જગ્યાઓને કારણે પશુપાલકોને અગવડતા ન પડે તે માટે રાજ્ય સરકારે પૂરતુ ધ્યાન આપ્યું છે. પશુચિકિત્સા અધિકારી વર્ગ-૨ની કુલ ૨૯૦ જગ્યાઓ ભરવામાં આવી છે. જ્યારે વર્ષ ૨૦૨૫-૨૬ના બજેટમાં નવા ૨૫૦ સ્થાયી પશુદવાખાના માટેની જોગવાઈ મંજૂર કરવામાં આવી છે.

વર્ષ ૨૦૧૪થી ૨૦૨૩ સુધીના દસ વર્ષીય ભરતી કેલેન્ડરમાં પશુચિકિત્સા અધિકારીની કુલ ૩૧૨ જગ્યાઓ ભરવાનું આયોજન હતું. પ્રથમ વર્ષમાં ૨૦૧૪ની મંજૂર થયેલી ૪૦ જગ્યાઓ, વર્ષ ૨૦૧૫ની ૨૦ જગ્યાઓ, વર્ષ ૨૦૧૬ની ૪૦ જગ્યાઓ તેમજ વર્ષ ૨૦૧૭ની ૨૦ જગ્યાઓ મળી કુલ ૧૨૦ જગ્યાઓ વર્ષ ર૦૧૮માં ભરાઈ હતી. જ્યારે વર્ષ ૨૦૧૮ની કુલ મંજૂર થયેલી ૪૦ જગ્યાઓ ઉપર નવેમ્બર, ર૦ર૩માં પશુચિકિત્સા અધિકારીને નિમણૂંક અપાઈ હતી.

જ્યારે વર્ષ ૨૦૧૯માં મંજૂર કરેલી ૪૦, વર્ષ ૨૦૨૦ની ૩૦, વર્ષ ૨૦૨૧ની ૩૦ તેમજ વર્ષ ૨૦૨૨ની મંજૂર થયેલી ૩૦ જગ્યાઓ મળી, કુલ ૧૩૦ મંજૂર જગ્યાઓ પર ઓક્ટોબર ૨૦૨૪માં પશુચિકિત્સા અધિકારી વર્ગ-૨ને નિમણૂક અપાઈ છે. આમ, વર્ષ-૨૦૧૪થી ૨૦૨૩ સુધીમાં કુલ ૨૯૦ જગ્યાઓ ભરવામાં આવી છે.

મંત્રીશ્રી પટેલે પેટા પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યું કે છેલ્લાં ત્રણ વર્ષમાં રાજ્યમાં નવી ૨૫૫ પશુચિકિત્સા અધિકારીની જગ્યાઓ અને ૨૫૫ સ્થાયી પશુ દવાખાના સ્થાપવા માટે મંજૂરી આપી હતી. આ શૃંખલાને આગળ વધારતા રાજ્યમાં પશુપાલકોને પોતાના પશુ માટે ચિકિત્સાલક્ષી સેવાઓ વધુ નજીકના સ્થળે ઉપલબ્ધ કરાવવા આ બજેટમાં વધુ ૨૫૦ પશુચિકિત્સા અધિકારી જગ્યા સાથેનાં નવાં ૨૫૦ સ્થાયી પશુ દવાખાના માટેની જોગવાઈ કરી છે.

કૃષિ મંત્રીશ્રીએ જણાવ્યું કે પશુચિકિત્સા અધિકારીની જગ્યા સાથેના ૬૭૪ પશુ દવાખાના હતાં. જેમાં માતબર વધારો કરીને કુલ ૫૦૫ નવી પશુચિકિત્સા અધિકારીની જગ્યા સાથેના ૫૦૫ નવાં પશુ દવાખાનાઓ મંજૂર કર્યાં છે.

વધુમાં, પશુચિકિત્સા અધિકારીની ખાલી જગ્યાના કારણે રાજયનો કોઇપણ પશુપાલક પશુ સારવારથી વંચિત ન રહી જાય, તે માટે છેલ્લાં ત્રણ વર્ષમાં પશુચિકિત્સક સાથેના કુલ ૬૩૭ ફરતાં પશુ દવાખાના મંજૂર કર્યા હતાં. જેમાં વધારો કરીને આ બજેટમાં પશુચિકિત્સક સાથેના નવીન ૧૫૦ ફરતાં પશુ દવાખાના શરુ કરવા માટે જોગવાઇ કરવામાં આવી છે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.