કુલ 30 વકફ બોર્ડ પાસે ભારતમાં ૮.૭ લાખ મિલકતો અને ૯.૪ લાખ એકર જમીન

(એજન્સી)નવી દિલ્હી, બુધવારે લોકસભામાં વક્ફ સુધારા બિલ રજૂ કરવામાં આવ્યું હતું.પ્રશ્ન એ ઊભો થાય છે કે સરકાર વક્ફ બિલ અંગે આટલી આક્રમક કેમ બની રહી છે? વધુ એક મોટો પ્રશ્ન એ છે કે વક્ફ બોર્ડ પાસે કેટલી જમીન છે? વક્ફ પાસે એટલે જમીન છે, જે તેને ભારતમાં ત્રીજા નંબરનો સૌથી મોટો જમીન માલિકી ધરાવનાર બનાવે છે.
રીપોર્ટ્સ અનુસાર, વક્ફ પાસે ૮.૭ લાખ મિલકતો છે, જે ૯.૪ લાખ એકર જમીનને આવરી લે છે. આ સંદર્ભમાં તે દેશમાં ભારતીય રેલ્વે અને સશસ્ત્ર દળો પછી ત્રીજી સૌથી મોટી જમીન માલિકી ધરાવનાર બને છે. વક્ફની માલિકીની જમીનની કુલ કિંમત ૧.૨ લાખ કરોડ રૂપિયાથી વધુ હોવાનું કહેવાય છે.
શું છે વક્ફની પ્રોપર્ટી? વક્ફ પ્રોપર્ટીઝ ઇસ્લામના અનુયાયીઓ દ્વારા દાનમાં આપવામાં આવે છે અને સમુદાયના સભ્યો દ્વારા તેને મેનેજ કરવામાં આવે છે. દરેક રાજ્યમાં વક્ફ બોર્ડ હોય છે, જે એક કાનૂની સંસ્થા છે, જેને મિલકત મેળવવા અને ટ્રાન્સફર કરવાની સત્તા આપવામાં આવે છે. ભારતમાં કુલ ૩૦ વક્ફ બોર્ડ છે.
વકફ મિલકતો કાયમી ધોરણે વેચી કે ભાડે આપી શકાતી નથી. સામાન્ય રીતે, આમાં ખેતીની જમીન, ઇમારતો, દરગાહ/મઝાર અને કબ્રસ્તાન, ઈદગાહ, ખાનકાહ, મદરેસા, મસ્જિદો, પ્લોટ, તળાવ, શાળાઓ, દુકાનો અને અન્ય ધાર્મિક અને સામાજિક સંસ્થાઓનો સમાવેશ થાય છે.
વક્ફ બોર્ડ સંબંધિત કાયદો વકફ એક્ટ, ૧૯૯૫ છે, જે ભારતમાં વક્ફ મિલકતો (મુસ્લિમ ધાર્મિક અને જાહેર મિલકતો)ના સંચાલન અને નિયંત્રણ સાથે સંબંધિત છે. આ કાયદાનો ઉદ્દેશ્ય વક્ફ મિલકતોનું યોગ્ય અને પારદર્શક સંચાલન થાય તે સુનિશ્ચિત કરવાનો છે, જેથી આ મિલકતોનો ઉપયોગ સમાજના કલ્યાણ માટે થઈ શકે.
વક્ફ એટલે મુસ્લિમ કાયદા હેઠળ માન્ય ધાર્મિક, પરોપકારી અથવા સામાજિક સેવા હેતુઓ માટે કોઈપણ જંગમ અથવા સ્થાવર મિલકતનું કાયમી સમર્પણ કરવું. વક્ફ કાયદા મુજબ, તે “ઇસ્લામમાં સહજ ધાર્મિક, પવિત્ર અથવા દાન સંબંધિત હેતુઓ માટે કોઈપણ મિલકતનું સ્થાયી સમર્પણ” છે.