વડાપ્રધાન સહિત કુલ ૭૧ સાંસદોએ મંત્રી પદના શપથ ગ્રહણ કર્યાં
વડાપ્રધાન પદના શપથ ગ્રહણ કરતા મોદી-મોદીની ટીમમાં શાહ-ગડકરી, નડ્ડા-શિવરાજ સહિત ૩૦ કેબિનેટ મંત્રીઓ; ૩૬ રાજ્ય મંત્રી, ૫ સ્વતંત્ર હવાલા મંત્રી
(એજન્સી)નવી દિલ્હી, લોકસભાની ચૂંટણીમાં એનડીએ ગઠબંધન સ્પષ્ટ બહુમતી મેળવી સત્તા સ્થાને આવતા આજે રવિવારે નરેન્દ્ર મોદીએ સતત ૩જી વખત રાષ્ટ્રપતિ ભવન ખાતે વડાપ્રધાન પદના શપથ ગ્રહણ કર્યાં હતાં આ પ્રસંગે ૭ થી વધુ દેશોના મહાનુભાવો તથા દેશના ઉદ્યોગપતિઓ અને વિવિધ ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહયા હતાં.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે મંત્રી મંડળના અન્ય સભ્યોએ પણ શપથ ગ્રહણ કર્યાં હતાં ૧૮મી લોકસભાના મંત્રી મંડળમાં સ્મૃતિ ઈરાની, અનુરાગ ઠાકુર સહિતના મંત્રીઓ કપાયા છે જયારે રાજનાથસિંહ, અમિત શાહ, જયશંકર, નીતિન ગડકરી, નિર્મલા સીતારમણ સહિતના સાંસદોએ કેબીનેટ મંત્રી તરીકેના શપથ ગ્રહણ કર્યાં હતાં. ગુજરાત ભાજપના પ્રમુખ અને સાંસદ સી.આર. પાટીલને પણ કેબીનેટમાં સમાવવામાં આવ્યા છે
જયારે મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણને પણ કેબીનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે. મહત્વપૂર્ણ બાબત એ છે કે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડાને પણ કેબીનેટ મંત્રી બનાવાતા હવે નવા પ્રમુખની નિમણુંક કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે કુલ ૭૧ સાંસદોએ શપથ ગ્રહણ કર્યાં હતાં. જેમાં ૩૦ કેબીનેટ મંત્રીઓ રહેશે તેવું જાણવા મળી રહયું છે.
નરેન્દ્ર મોદીની સાથે સાથે મનોહરલાલ ખટ્ટર, એચ.ડી. કુમાર સ્વામી, પીયુષ ગોયેલ, ધર્મેન્દ્ર પ્રધાન, જીતનારામ માજી, રાજીવ રંજન, ડો. વિરેન્દ્રકુમાર, રામમોહન નાયડુ, પ્રહલાદ જોષી, જુઅલ ઓરાઓન, ગીરીરાજ સિંહ, અશ્વીની વૈષ્ણવ, જયોતિરાદિત્ય સિંધીયા, ભુપેન્દ્ર યાદવ, ગજેન્દ્રસિંહ શેખાવત, કિરણ રિજિજુ, હરદિપ પુરી, ચિરાગ પાસવાન, મનસુખ માંડવિયા સહિતના સાંસદોએ શપથ ગ્રહણ કર્યાં છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શપથવિધિ સમારંભમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહયા હતા. સાથે સાથે દેશભરમાં ભાજપના કાર્યકરો દ્વારા તથા સાથી પક્ષોના કાર્યકરો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. મોદી કેબીનેટમાં કુલ ૭૧ મંત્રીઓ રહેશે. જેમાં ૩૦ કેબીનેટ મંત્રીઓ, ૩૬ રાજય મંત્રીઓ અને પ સ્વતંત્ર હવાલો ધરાવતા મંત્રીઓનો સમાવેશ થાય છે.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા ગુજરાતથી રાજયસભાના સાંસદ તરીકે ચુંટાયા છે અને તેઓને હવે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખની જવાબદારીથી મુકત કરવામાં આવશે. એસ. જયશંકર પણ ગુજરાતમાંથી રાજયસભાના સાંસદ છે અને તેઓ અગાઉ પણ મોદી સરકારની ટર્મમાં વિદેશ પ્રધાન રહયા હતાં જેમણે ફરી એક વખત કેબીનેટ મંત્રીના શપથ ગ્રહણ કર્યાં છે.
જવાહરલાલ નહેરુ વડાપ્રધાન પદ માટે સતત ત્રણ ટર્મ રહયા હતાં અને ત્યારબાદ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ત્રણ ટર્મ વડાપ્રધાન પદે રહી રેકોર્ડ બનાવ્યો છે. જવાહરલાલ નહેરુ કુલ ૧૬ વર્ષ અને ર૮૬ દિવસ વડાપ્રધાન રહયા હતાં. ગુજરાતમાંથી ૬, યુપી-૪, બિહારમાંથી ૧૦ મંત્રીઓને મંત્રી મંડળમાં સામેલ કરવામાં આવ્યા છે.