સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ દ્વારા ગુજરાતમાં કુલ 76 હજાર વસ્ત્રોનું દાન કરવામાં આવ્યું
શાહપુર અમદાવાદ ખાતે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા આયોજિત વસ્ત્રદાન કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની પ્રોત્સાહક ઉપસ્થિતિ-જરૂરિયાતમંદ નાગરિકોને ગૃહરાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે વસ્રદાન
દિવાળીના અવસર નિમિત્તે આપણા ઘરોમાં કે ઓફિસમાં આપણી સાથે કામ કરતા કર્મચારીઓ કે જરૂરિયાતમંદ નાગરિકોને યથાશક્તિ પ્રમાણે મદદરૂપ થઈએ અને સૌને દિવાળીની ખુશીઓ અર્પણ કરીએ: મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી
સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા અમદાવાદમાં શાહપુર ખાતે વસ્ત્રદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા અને તેમના હસ્તે જરૂરિયાતમંદ નાગરિકોને વસ્ત્રદાન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, દિવાળીના અવસર નિમિત્તે ગુજરાત રાજ્ય સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ દ્વારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આ વસ્ત્રદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા સમગ્ર ગુજરાતના ઘણા એવા વિસ્તારોમાં ઘરે ઘરે મુલાકાત કરીને વસ્ત્રો એકત્રિત કરવામાં આવ્યાં હતાં
અને તે વસ્ત્રોને સુવ્યવસ્થિત કરીને જરૂરિયાતમંદ સામાન્ય નાગરિકોના ઘરોમાં વિતરણ કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં ગુજરાતના કુલ 76 હજાર ઘરોમાં આવા વસ્ત્રોનું દાન કરવામાં આવ્યું છે, જે ખૂબ જ ગૌરવની બાબત છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
વધુમાં મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, આપણે સૌ પણ દિવાળીના અવસર નિમિત્તે આપણા ઘરોમાં કે ઓફિસમાં આપણી સાથે કામ કરતા કર્મચારીઓ કે જરૂરિયાતમંદ નાગરિકોને યથાશક્તિ પ્રમાણે મદદરૂપ થઈએ અને સૌને દિવાળીની ખુશીઓ અર્પણ કરીએ.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ પટેલ, સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવક બોર્ડના આગેવાનો, સભ્યો તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.