સુરત ઇકોનોમિક રીજીયન(SER) સહિત કુલ છ ગ્રોથ હબ વિકસાવવામાં આવશે

ગાંધીનગર, પ્રધાનમંત્રીશ્રીના વિકસિત ભારત ૨૦૪૭ના સંકલ્પને પરિપૂર્ણ કરવા ગુજરાત સરકારે વિકસિત ગુજરાત ૨૦૪૭નો રોડ મેપ તૈયાર કર્યો છે. બે દાયકાના અવિરત વિકાસનું સાતત્ય જાળવી રાખી આગામી બે દાયકામાં ગુજરાતના નાગરિકો સમૃદ્ધ જીવન અને સમૃદ્ધ આવક (Living Well & Earning Well) મેળવી શકે તે માનનીય મુખ્યમંત્રીશ્રીનું વિઝન છે.
સરકાર આ વિઝનને હકિકતમાં પરિવર્તિત કરવા આયોજનબદ્ધ પ્રોજેકટસ અને પ્રજા કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવાની નેમ ધરાવે છે. આ હેતુ અર્થે આગામી પાંચ વર્ષ માટે ₹૫૦ હજાર કરોડનું વિકસિત ગુજરાત ફંડ સ્થાપિત કરવાની જાહેરાત કરું છું. જે માટે આ વર્ષે ₹૫૦૦૦ કરોડની જોગવાઇ કરું છું.
રાજ્ય સરકારે નીતિ આયોગની તર્જ પર આધારીત “ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશન(GRIT)”ની સ્થાપના કરી છે. જેનો ઉદ્દેશ વિકસિત ગુજરાત ૨૦૪૭ માટે લાંબા તેમજ ટૂંકા ગાળાના લક્ષ્યોને ધ્યાને લઇ વિવિધ ક્ષેત્રો માટે વ્યૂહાત્મક યોજનાઓ બનાવવાનો છે.
નીતિ આયોગે દેશમાં ચાર વિસ્તારોને ગ્રોથ હબ તરીકે વિકસાવવા પસંદ કર્યા છે. જેમાં સુરત ઇકોનોમિક રીજીયન(SER)નો સમાવેશ થાય છે. આ વિસ્તારને વૈશ્વિક તર્જ પર વિકસાવવા માટે ૫૬ પરિયોજનાઓ બનાવવામાં આવી છે. જેનાથી SER હેઠળના સુરત, ભરૂચ, વલસાડ, નવસારી, તાપી, ડાંગ એમ છ જિલ્લાઓમાં ઉદ્યોગ, પ્રવાસન, રોડ નેટવર્ક તથા માળખાકીય સુવિધાઓમાં વૃદ્ધિ થશે.
ગુજરાતને એક વિકસિત અને સમૃદ્ધ રાજ્ય બનાવવા સુરત ઇકોનોમિક રીજીયન(SER)સહિત કુલ છ ગ્રોથ હબ વિકસાવવામાં આવશે. જેના માટે હાલ અમદાવાદ ક્ષેત્ર, વડોદરા ક્ષેત્ર, રાજકોટ ક્ષેત્ર, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાનો વિસ્તાર અને કચ્છ માટે રીજનલ ઇકોનોમિક પ્લાન બનાવવામાં આવી રહ્યાં છે. જેમાં બાકી તમામ જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવશે. જેનાથી રાજ્યમાં સર્વાંગી અને સંતુલિત ક્ષેત્રિય આર્થિક વિકાસ શક્ય બનશે.
રાજ્યના સર્વિસ સેક્ટરને વેગ આપવા માટે હું Commissionerate of Servicesની નવી કચેરી ઊભી કરવાની જાહેરાત કરું છું.
રાજ્યની નદીઓના પાણીનો સૂચારુ જળ સંચય થાય તથા મહત્તમ માત્રામાં ભૂગર્ભ જળ રીચાર્જ થઇ શકે તે માટે ૧૮૫ રીવર બેઝીનમાં ટેકનો ફીઝીબીલીટી અભ્યાસ કરી એક માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવશે. વધુમાં રાજ્યના ગામો અને શહેરોની ભવિષ્યની પીવાના પાણીની જળ સુરક્ષા સુનિશ્ચિત કરવા નર્મદા બલ્ક પાઇપલાઇન માટે ₹૨૬૩૬ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.