પવિત્ર યાત્રા કરાવવાના બહાને છેતરપીંડી આચરનાર ટ્રાવેલ્સ સંચાલક ઝડપાયો
(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) ગોધરા શહેરના ગોન્દ્રા વિસ્તારમાં આવેલી એક ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ એજન્સી દ્વારા મક્કા મદીના ફરવા જવાનું પેકેજ આપીને નાણાં લઈને સુવિધાઓ ન આપીને છેતરપીંડી આચરી હતી, સમગ્ર ગુનાને લઈને ગોધરા શહેર બી ડિવિઝન પોલીસમથકે ત્રણ ઈસમો સામે ગુનો નોંધાયો હતો, ત્યારે પંચમહાલ પેરોલ ફર્લો સ્કવોડ પોલીસે મુખ્ય સંચાલક આરોપીને ગોધરાથી પોલીસે ઝડપી પાડ્યો છે.
ગોધરા શહેરના ગોન્દ્રા વિસ્તારમાં આવેલી અલ હયાત ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ એજન્સીના સંચાલક દ્વારા ગોધરા સહિત હાલોલ, કાલોલ, વેજલપુર જેવા અનેક ગામોના લોકોને પેકેજના દ્વારા મક્કા મદીના લઇ ગયા હતા, જ્યાં તમામ યાત્રિકોને લઇ ગયા બાદ કોઇ પણ પ્રકારની સુવિધાઓ ન આપીને ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ એજન્સીના સંચાલકોએ છેતરપીંડી આચરી હતી,
જે બાદ તમામ વ્યક્તિઓ ભારત પરત આવ્યા બાદ ગોંદ્રા વિસ્તારમાં આવેલી અલ હયાત ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ નામની ઓફિસ પર જતા ઓફિસને તાળાં લાગેલા જાેવા મળ્યા હતા, આમ ત્રણ સંચાલકો દ્વારા અનેક વ્યક્તિઓ સાથે મક્કા મદીના લઇ જવાના પેકેજના નામે છેતરપીંડી આચરવામાં આવી હતી, ગોધરા શહેર બી ડિવિઝન પોલીસમથકે સુલેમાન ઇબ્રાહિમ હયાત, મુખ્ત્યર મિર્ઝા અને ઇકરામ ફારુક ધંત્યા નામના ત્રણ ઈસમો સામે છેતરપીંડીની ફરીયાદ નોંધાવા પામી હતી,
ત્યારે પંચમહાલ પેરોલ ફર્લો સ્કવોડ પોલીસ દ્વારા મુખ્ય આરોપી સુલેમાન ઈબ્રાહીમ હયાતની અટકાયત કરવામાં આવી છે. છેલ્લા કેટલાક સમયથી સુલેમાન ઇબ્રાહિમ હયાત નામનો ઇસમ ગોધરા શહેરના ફૂલ સૈયદ સોસાયટીમાં રહેતો હોવાની બાતમી મળી હતી, જેના આધારે પોલીસે આજે અટકાયત કરી હતી.