Western Times News

Gujarati News

ભારતીય જૈન સંગઠનનાં સહયોગથી ‘સ્માર્ટ ગર્લ’ સંદર્ભે દ્વિદિવસીય તાલીમ વર્ગ યોજાયો

સુરત, બ્લોક રિસોર્સ સેન્ટર, ઓલપાડ દ્વારા ભારતીય જૈન સંગઠનનાં સહયોગથી તાલુકાની વિદ્યાદીપ યુનિવર્સિટી, અણીતા ખાતે બેટી બચાવો બેટી પઢાઓ અંતર્ગત ‘સ્માર્ટ ગર્લ’ નામક દ્વિદિવસીય તાલીમ વર્ગ યોજવામાં આવ્યો હતો. જેમાં ઓલપાડ તાલુકાની તમામ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાઓ સહિત ખાનગી પ્રાથમિક શાળાઓની ૧૪૦ થી વધુ શિક્ષિકા બહેનોએ સહર્ષ ભાગ લીધો હતો.

તાલીમ વર્ગનાં પ્રારંભે દીપ પ્રજવલન વિધિ બાદ તાલુકાનાં બી.આર.સી કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલે ઉપસ્થિત તાલીમાર્થીઓનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. તાલીમની રૂપરેખા આપતાં તેમણે જણાવ્યું હતું કે સ્ત્રીનાં જીવનમાં આવતી તમામ અવસ્થાઓ ખૂબ જ મહત્વની હોય છે. કિશોરાવસ્થા વટાવીને તરુણાવસ્થામાં પ્રવેશતાંની સાથે જ સંતાનોમાં વિશ્વનાં વિશાળ ગગનમાં ઉડવાની અને નભને આંબવાની અદમ્ય ઈચ્છા થઈ આવે છે.

આ સમયે માતા-પિતાઓને અનેક પ્રકારની ચિંતાઓ સતાવતી હોય છે. આવા પ્રકારની ચિંતાઓનું વન સ્ટોપ સોલ્યુસન છે સ્માર્ટ ગર્લ પ્રોજેક્ટ જેને ભારતીય જૈન સંગઠન દ્વારા સંશોધન કરીને ઘડી કાઢવામાં આવ્યો છે. આ પ્રસંગે ઉપસ્થિત ભારતીય જૈન સંગઠન પ્રતિનિધિ રૂપાલીબેન શાહે પોતાનાં પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે હાલનાં સમયમાં તરુણો કરતાં તરુણીઓ માટે દિવસે ને દિવસે પરિસ્થિતિ ખૂબ જ ગંભીર થતી જાય છે ત્યારે યુવતીઓને જીવનની તમામ પરિસ્થિતિમાં સશક્ત અને સક્ષમ બનાવે તેવાં સ્માર્ટ ગર્લ પ્રોજેક્ટ થકી મુગ્ધાવસ્થામાં બાળાની જિંદગી અટવાય નહીં અને તેની સામે આવનારા પડકારોનો તે હિંમતપૂર્વક અને મક્કમતાથી સામનો કરી શકે તે આ તાલીમનો મુખ્ય હેતુ છે.

સદર તાલીમ વર્ગમાં તજજ્ઞો સર્વશ્રી જીજ્ઞાશા રાઠોડ (સાયણ પ્રાથમિક શાળા), નિમિષા પટેલ (ભટગામ પ્રાથમિક શાળા), વિજેતા પટેલ (રાજનગર પ્રાથમિક શાળા), રેણુબેન વાસીંદ (ઝેડ.એમ.પટેલ પ્રાથમિક શાળા), સમીરાબેન હોટલવાલા (મૌલાના આઝાદ પ્રાથમિક શાળા) તથા સંજય પારેખ (હજીરા પ્રાથમિક શાળા) એ નારી સશક્તિકરણ, આત્મસન્માન, આત્મરક્ષણ, સ્વતંત્રતા તથા સ્વચ્છંદતા વચ્ચેનો ભેદ જેવાં મહત્વનાં મુદ્દાઓ પર તાલીમ આપી હતી.

તા.૧૮ અને ૧૯ જાન્યુઆરીનાં રોજ યોજાયેલ આ તાલીમમાં તાલીમાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડવા વિદ્યાદીપ યુનિવર્સિટી કેમ્પસનાં ડાયરેક્ટર મુકુંદ પટેલ, સ્કૂલ સંચાલક કર્મવીરસિંહ, આચાર્ય પ્રિતેશ પટેલ, કીમનાં સી.આર.સી. કો-ઓર્ડિનેટર આકાશ પટેલ, મુળદનાં સી.આર.સી. કો-ઓર્ડિનેટર મનોજ દવે તથા બ્લોક એમ.આઈ.એસ. સંજય રાવળ ઉપસ્થિત રહ્યાં હતાં. કોલેજનાં અધ્યાપક ડો.વિપુલ શાસ્ત્રી, ડો.શિવાની પટેલ તથા કૃણાલ શાહે વિશેષ પોતાનાં વિશેષ શેષનમાં તાલીમાર્થીઓને માર્ગદર્શિત કર્યા હતાં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.