સુરતમાં સખી મંડળ દ્વારા શરું થયું એક અનોખું કાફે “મીલેટ્સ કાફે”
સુરત મહાનગરપાલિકા મુખ્ય કચેરી ખાતે સખી મંડળ દ્વારા “મીલેટ્સ કાફે” કેન્ટીન શરુ કરવામાં આવી
વિવિધ પ્રકારના મીલેટ્સ જેમ કે બાજરી, જુવાર, રાજગરો, રાગી, કોદરો, સામો વગેરેમાંથી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગીઓ બનાવવામાં આવશે જેના થકી મીલેટ્સનો ઉપયોગ વધે તે માટેનો પ્રચાર થશે.
સુરતમાં ટેક્ષટાઈલ, ડાયમંડ, ઝરી, બાંધકામ તથા અન્ય ઔધોગિક ક્ષેત્રોના વિકાસે માત્ર ગુજરાતમાંથી જ નહિ પરંતુ સમગ્ર દેશમાંથી લોકોને રોજગારી માટે આકર્ષિત કર્યા છે. અન્ય શહેરો ની જેમ સુરતમાં પણ સ્થાનિક પ્રશાસન માટે આ જનસમૂહની પ્રાથમિક જરૂરીયાત સંતોષવી પડકારરૂપ હોય છે.
સુરત મહાનગપાલિકા શહેરીજનોને સર્વ સુવિધાઓ પૂરી પાડવાના અવિરત પડકારને પહોંચી વળવા તથા સુંદર, સ્વચ્છ, વિકાશલક્ષી અને ધબકતાં શહેરના નિર્માણ તેમજ સર્વસમાવેશક વિકાસ (Inclusive Growth) ની જરૂરીયાતોને ધ્યાને લઈને શહેરી ગરીબોના સર્વાંગી વિકાસ તથા સ્વાવલંબન માટે વિવિધ કાર્યક્રમો/યોજનાઓ કાર્યાન્વિત છે.
સુરત મહાનગરપાલિકા દ્વારા દીનદયાળ અંત્યોદય યોજના –રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન હેઠળ શહેરી ગરીબ પરિવારોને ગૌરવભેર રોજગાર અને સ્વરોજગાર પ્રાપ્ત થાય તેવા પ્રયાસો કરવામાં આવે છે. વિકાસ પ્રવાહની મુખ્યધારાથી વંચિત વર્ગ ખાસ કરીને મહિલાઓ અને શહેરી ગરીબ લોકો પર ધ્યાન કેન્દ્રિત કરીને “એક્શન બીફોર રીએક્શન” અભિગમ સાથે “ક્રિએટ ન્યુ એવન્યુ ફોર રેવન્યુ”ના વ્યૂહ સાથે શહેરી ગરીબ મહિલાઓને રોજગાર મળી રહે તે માટે વિભાગ દ્વારા વિવિધ સ્પેશ્યલ પ્રોજેક્ટ્સ/કાર્યક્રમો અમલીકૃત કરવામાં આવે છે.
સુરત મહાનગરપાલિકા દ્વારા DAY-NULM યોજના અંતર્ગત અંતર્ગત શહેરી ગરીબ કુટુંબોમાંથી મહિલાઓને સંગઠિત કરી સ્વસહાય જૂથોની રચના કરવામાં આવે છે. આ જૂથોના બહેનોને રોજગાર અને સ્વરોજગાર મળી રહે તે હેતુથી સુરત મહાનગરપાલિકા દ્વારા ઉપલબ્ધ તકોનો ઉપયોગ કરી અનેકવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે.
સુરત મહાનગરપાલિકાના મહિલા સશક્તિકરણ અંગેનાકાર્યોને આગળ ધપાવતા સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે સ્વસહાય જૂથને કેન્ટીન “મિલેટ્સ કાફે” ફાળવવામાં આવી છે. જેનું તા.૦૮/૦૧/૨૦૨૪ ના રોજ સુરત મહાનગરપાલિકાના મા.મેયરશ્રી, મા.ડે.મેયરશ્રી, મા. સ્ટેન્ડિંગ ચેરમેનશ્રી, મા. મ્યુનિસિપલ કમિશનરશ્રી તેમજ મ્યુનિસિપલ સદસ્યશ્રીઓની પ્રેરક ઉપસ્થિતીમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ઉદ્ઘાટન કાર્યક્રમ બાદ મહાનુભાવો દ્વારા કેન્ટીનમાં સખીમંડળ દ્વારા મિલેટ્સમાંથી બનાવવામાં આવેલી વિવિધ વાનગીઓ જેવી કે રાગીની કચોરી,રાગીના થેપલા, રાગીનો શીરો, રાગીની ઈડલી વગેરે વાનગીઓનો સ્વાદ માણ્યો હતો તથા વાનગીઓના સ્વાદને વખાણ્યો હતો તથા સુરત મહાનગરપાલિકાની વિવિધ કચેરીઓમાં નાસ્તામાં મિલેટ્સની વાનગીઓનો ઉપયોગ વધે તે માટે કામગીરી કરવા જણાવ્યું હતું.
સુરત મહાનગરપાલિકા ખાતેની સખી મંડળ દ્વારા સંચાલિત કેન્ટીન “મિલેટ્સ કાફે” માં સખી મંડળના બહેનો દ્વારા વિવિધ પ્રકારના મીલેટ્સ જેમ કે બાજરી, જુવાર, રાજગરો, રાગી, કોદરો, સામો વગેરેમાંથી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગીઓ બનાવવામાં આવશે જેના થકી મીલેટ્સનો ઉપયોગ વધે તે માટેનો પ્રચાર થશે.