ભરૂચની સ્કુલની પબ્લિક લાયબ્રેરીમાં કરાયો એક અનોખો પ્રયત્ન
ભગવત ગીતાના બોલતા ગ્રંથ દ્વારા ત્રીજા અધ્યાય કર્મયોગનું શ્રવણ કરાયું-પુસ્તક આપલેનું જ માધ્યમ નથી પરંતુ જીવનને વધુ સમૃદ્ધ બનાવાનો ખજાનો સમાયેલો છે
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) વાત એમ છે કે ભરૂચની નારાયણ વિદ્યાલયના ધોરણ ૧૧ ના વિદ્યાર્થી અને વિધાર્થીનીઓ સહિત શિક્ષકગણે ભવ્ય ભરૂચની ભવ્ય કે જે ચોક્સી પબ્લિક લાયબ્રેરીની મુલાકાત લીધી હતી.
ત્યારે લાયબ્રેરી તરફથી તેઓને સારો આવકાર જ નહીં પણ ઘણી બધી સારી રીતભાત અને આચરણની માહિતી પૂરી પાડવામાં આવી હતી.આ વખતે લાયબ્રેરી દ્વારા એક અનોખો પ્રયત્ન કરવામાં આવ્યો. લાયબ્રેરીમાં ઉપલબ્ધ બોલતી ભગવદ ગીતાના પુસ્તકમાંથી મુલાકાતે આવેલા વિદ્યાર્થીઓને ભગવદ ગીતાના ત્રીજા અધ્યાય ‘કર્મયોગ’નું આ બોલતી ગીતા દ્વારા શ્રવણ કરાવવામાં આવ્યું હતું.
એક નાનું પેન જેવુ યંત્ર છે જે આ ભગવત ગીતાના કોઈપણ શ્લોક પીઆર મૂકવામાં આવે એટ્લે તે શ્લોકની ઓડિયોમાં રૂપાંતર થઈ જાય અને તેને તમે સાંભળી શકો છો. સંસ્કૃત,હિન્દી અને અંગ્રેજી આમ ત્રણે ભાષામાં તમે એનું શ્રવણ કરી શકો એવું આ અનોખુ પુસ્તક બનાવવામાં આવ્યું છે.
ગ્રંથપાલનું કહેવું છે કે પોતાના જીવનમાં પહેલીવાર આવું બોલતું પુસ્તક જાેઈ વિદ્યાર્થીઓ જ નહીં પણ સાથે આવેલ ગુરૂજનોમાં પણ એક અચરજભાવ ઉદભવ્યો હતો. કર્મયોગ અધ્યાયના પ્રત્યેક શ્લોકનું વારાફરતી શ્રવણ કરી વિદ્યાર્થીઓએ ધન્યતા અનુભવી હતી.ટેકનૉલોજીનો આટલો સારો ઉપયોગ પણ થઈ શકે છે તેનું તેઓએ પ્રત્યેક્ષ અનુભવ કર્યો હતો.જીવનમાં પુસ્તક અને વાંચનનું શું મહત્વ છે એ તો અહી તેઓને જાણવા મળ્યું જ પણ સાથે સાથે આધ્યાત્મિક જ્ઞાનનું પણ આપણાં જીવનમાં ખૂબ જ મહત્વ છે તે જાણવા અને માણવા મળ્યું હતું.
ગ્રંથપાલ વિનંતી સાથે જણાવે છે કે દરેક શાળાઓએ તેઓના વિદ્યાર્થીઓને પુસ્તકાલય તરફ પ્રેરિત કરવા જાેઈએ આ વિનંતી છે. પુસ્તકાલય માત્ર પુસ્તક આપલેનું જ માધ્યમ નથી પરંતુ અહી જીવનને વધુ સમૃદ્ધ બનવાનો ખજાનો સમાયેલો છે જે પામવા સૌએ પુસ્તકાલયના પગથીય ચઢી એમાં પ્રવેશ કરવો જરૂરી થઈ જાય છે. હવે લાયબ્રેરીમાં વાંચનલક્ષી ઉત્તમ સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવે છે જેથી ઉચ્ચ અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને વાંચનલક્ષી વાતાવરણ મળી રહે છે.