વડોદરામાં રક્તપિત્ત રોગીઓની સેવા કરતું અનોખું શ્રમ મંદિર
વડોદરાને અડીને આવેલા સીંધરોટ ગામમાં આવેલા શ્રમમંદિરમાં ૩૦૦ દર્દીઓનું પુનર્વસન
અહીં દર્દીઓને માત્ર આશરો જ નહીં, પ્રેમ અને હૂંફ સાથે મળે છે સન્માનભેર નવજીવન
આલેખન – રાજ જેઠવા (વડોદરા) રક્તપિત્ત જેવા શારીરિક અભિશાપ હજુ પણ ક્યાંક ક્યાંક જોવા મળે છે. તેની સામે સમાજમાં આજે પણ અનેક સંસ્થાઓ પ્રસિદ્ધ સંત સત દેવીદાસ, અમર દેવીદાસની જેમ સેવાની ધૂણી ધખાવી નિ:સ્વાર્થ ભાવે કામ કરી રહી છે. આ રોગથી પીડાતા લોકોને બહારના તો ઠીક પરંતુ ઘરના પણ સ્વીકારતા નથી, ત્યારે વડોદરા નજીક સીંધરોટ ગામમાં આવેલા એક શ્રમ મંદિર દ્વારા રક્તપિત્તથી પીડાતા લોકોનું નિદાન, સારવાર અને પુનઃ સ્થાપનની ઉમદા કામગીરી દેવીબેન દ્વારા કરવામાં આવી રહી છે. આ શ્રમ મંદિર રક્તપિત્તની બીમારીથી પીડાતા લોકો માટેનું એક આખું ગામ જ બની ગયું છે.
જ્યાં લાગણી છે, સ્નેહ છે અને દરેક પીડિતો માટે પરિવારની હુંફ છે. એક અનોખું નગર જ્યાં રક્તપિત્ત ધરાવતા દર્દીઓ વસવાટ કરે છે. વડોદરાને અડીને આવેલા સીંધરોટ ગામમાં આવેલું આ શ્રમ મંદિર એટલે મહીસાગર નદીની કોતરોમાં ૧૫૦ એકરની જમીનમાં ફેલાયેલું રક્તપિત્તના દર્દીઓનો આશરો- જેને શ્રમ મંદિર તરીકે ઓળખવામાં આવે છે. વર્ષ ૧૯૭૮ માં નિર્માણ પામેલા આ શ્રમ મંદિરમાં પ્રારંભે તો ૫૦ પથારીની હોસ્પિટલ જ હતી, જ્યાં ધીમે ધીમે ૩૦૦ જેટલા દર્દીઓનું પુર્નવસન કરવામાં આવ્યું, જેમાંથી મોટા ભાગની દર્દીઓ સારવાર લઇને પગભર બન્યા છે.
છેલ્લા ૩૮ વર્ષથી આ સંસ્થામાં સેવા આપતા દેવીબેન જણાવ્યું કે આ શ્રમ મંદિરમાં હાલમાં ૩૦૦ જેટલા રક્તપિત્તના દર્દીઓ છે. અહીં બાળકો માટેની છાત્રાલય, વૃદ્ધ અને દિવ્યાંગજનો માટે ડોરમેટ્રીસ તથા ૧૫૦ જેટલા ક્વાર્ટસ છે. આ ઉપરાંત સ્ટાફ ક્વાર્ટસની પણ અલાયદી વ્યવસ્થા છે.
રક્તપિત્ત શું છે ? તેના પર થોડો પ્રકાશ પાડીએ, તો તમને જણાવી દઈએ કે વર્ષ ૧૯૮૦ ના દાયકામાં આ રોગ ખૂબ જ જોવા મળતો હતો. કોરોનાની જેમ જ આ રોગની દહેશતથી દર્દીને પોતાનો પરિવાર રસ્તે રઝળતા મૂકીને જતો રહેતો હતો. ત્યારે, નિરાધાર બનીને દર-દરની ઠોકર ખાતા આ દર્દીઓને રહેવા માટે છત પણ ન્હોતી મળતી. પરંતુ આવા શ્રમ મંદિરના કારણે હવે આ દર્દીઓને માત્ર આશરો જ નહીં, પરંતુ સ્નેહ અને હૂંફ પણ નવા પરિવાર થકી અપાર મળે છે.અહીં પીડાને ભૂલી લોકો નવા પરિવાર સાથે નવજીવન માણી રહ્યા છે.
હવે તમને એમ થશે કે, આ સ્થળને શ્રમ મંદિર કેમ કહેવામાં આવે છે ?.. તો આ નામકરણ પાછળ પણ એક રસપ્રદ કહાની છે. શ્રમ મંદિરનો અર્થ કરવો હોય તો એવું કહી શકાય કે, જ્યાં સંઘર્ષ વચ્ચે મહેનતનું ફળ મળે તેવું ઘર. અહીં દરેક પ્રકારની વ્યવસ્થા ઉપલબ્ધ છે. હોસ્પિટલને એક ઉત્તમ આરોગ્ય કેન્દ્ર બનાવવામાં આવ્યું છે. જેમાં નિષ્ણાત ડોક્ટરો માટેની કન્સલ્ટિંગ રૂમો, લેબોરેટરી, મેડિસિન સ્ટોર અને નવા વોર્ડ પણ શરૂ કરવામાં આવ્યા છે. ઓપરેશન થિયેટરમાં પણ અત્યંત આધુનિક ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવે છે.
પુનર્વસન થયેલા દર્દીઓ સ્વમાનભેર જીવી શકે તે હેતુથી વિવિધ પ્રવૃતિઓ ચલાવવામાં આવે છે. જેમાં કુટિર ઉદ્યોગ અંતર્ગત હેન્ડલૂમ, વણાટકામનો સમાવેશ થાય છે. અહીં વિવિધ ડિઝાઇનની અને રંગબેરંગી બેડશિટ, ટુવાલ, નેપકિન, ડસ્ટર, આસન જેવી વિવિધ વસ્તુઓ બનાવવામાં આવે છે અને આ તાણાવાણાના નામે ચાલતા ઉદ્યોગની તમામ બનાવટોનું દેશ-વિદેશમાં વેચાણ કરવામાં આવે છે. દર્દીઓ જાતે મહેનત કરીને રોજગાર મેળવી સ્વાભિમાનથી પોતાનું જીવન ગુજારે છે. આ દર્દીઓના હાથ કે પગની આંગળીઓ નથી, તેમ છતાં વણાટના કારીગર બનીને ઉત્તમ કામ કરે છે.. ભલે પરિવારે તેમની કદર ના કરી, પરંતુ શ્રમ મંદિરે પેટ ભરવાની સાથે સ્વાભિમાનથી જીવવાની તક આપી તેનો સંતોષ અને રાજીપો તેમના ચહેરા પર સ્પષ્ટ રીતે જોવા મળે છે.
શ્રમ મંદિરમાં ન માત્ર ગુજરાતના પરંતુ દેશના અનેક રાજ્યોના લોકો વસવાટ કરે છે. જેમાં આંધ્રપ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્ર, ગુજરાત અને સીમા પારથી એટલે કે, નેપાળના દર્દીઓ પણ વસવાટ કરે છે. આ ગામમાં ખેતી ઉપરાંત ગૌશાળા પણ આ નગરનો એક ભાગ છે. અહીં ચાલતી ગૌશાળા આધુનિક ઢબની છે. ગાયો વાછરડા-વાછરડી મળીને લગભગ ૬૫ જેટલા પશુધન છે. ઋતુ અનુસાર શાકભાજીના પાક લેવામાં આવે છે. જમીનમાં ગાયો માટે વિવિધ પ્રકારના ઘાસ ઉગાડવામાં આવે છે. ૭૦ થી ૮૦ એકર જમીનમાં જંગલી વૃક્ષો રોપી જંગલ બનાવવામાં આવ્યું છે.
રક્તપિત્તના દર્દીઓના બાળકો ભણીને પગભર બને તે માટે અલગ છાત્રાલય બનાવવામાં આવ્યું છે. અહીં વડોદરા જિલ્લા પંચાયત દ્વારા ધો-૧ થી ૭ ની પ્રાથમિક શાળા ચલાવવામાં આવે છે. અને ધો-૮ થી ૧૨ ના વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે વડોદરા શહેર જાય છે, જેમના માટે મંદિર તરફથી પરિવહનની વ્યવસ્થા કરવામાં આવી છે.
રકતપિત્તના રોગ અંગે જાણકારી અને રકતપિતના દર્દી પ્રત્યે ભેદભાવ દૂર કરવા માટે વડોદરા જિલ્લામાં રકતપિત્ત જન જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. મહાત્મા ગાંધીજીના નિર્વાણ દિવસને સરકારે ‘એન્ટી લેપ્રસી ડે’ તરીકે જાહેર કર્યો છે. જેથી આ દિવસે રકતપિત્ત રોગ અંગે જનજાગૃતિના વિવિધ કાર્યક્રમ યોજવામાં આવે છે. જેમાં ગ્રામસભા રેલી, આરોગ્ય પ્રદર્શન, વાર્તાલાપ સહિતની પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે.
વડોદરા શહેર અને જિલ્લામાં તાજેતરમાં રક્તપિત્ત દર્દી શોધ અભિયાન યોજવામાં આવ્યું હતું. આ ઝૂંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં રકતપિત્ત રોગ અંગે જાગૃતિ આવે, રકતપિત્તના દર્દી પ્રત્યેનો ભેદભાવ ઘટે અને છુપાયેલા કેસોને શોધી કાઢવાનો હતો.
આ ઝૂંબેશ દરમિયાન વડોદરા શહેર-જિલ્લામાં ૧૬૮૭ ટીમો દ્વારા કુલ ૫,૦૦,૩૮૩ ઘરોની મુલાકાત લઈને ૨૨,૪૭,૨૧૦ લોકોની આરોગ્ય ચકાસણી કરવામાં આવી હતી. જેમાંથી ૨,૯૦૭ રકતપિત્તના શંકાસ્પદ દર્દીઓ મળી આવ્યા હતા. આ શંકાસ્પદ દર્દીઓની તબીબી ટીમ દ્વારા તપાસ કરતાં કુલ ૭૨ રકતપિત્તના દર્દીઓ મળી આવ્યા છે. જેમાં એક બાળકનો પણ સમાવેશ થાય છે. ૩૫ દર્દીઓ બિનચેપી, જ્યારે ૩૭ ચેપી દર્દીઓ મળી આવ્યા હતા. આ દર્દીઓમાં ૪૦ મહિલા અને ૩૨ પુરુષનો સમાવેશ થાય છે. ઝૂંબેશ દરમિયાન મળી આવેલા ૭૨ દર્દીઓની સારવાર શરૂ કરી દેવામાં આવી છે. તેમજ ચેપી દર્દીના કોન્ટેક્ટ્સની સઘન આરોગ્ય તપાસ કરી સીંગલ ડોઝ રીફામ્પીસીન ગળાવી ચેપમુકત પણ કરવામાં આવ્યા છે.
આપને જણાવી કે, રકતપિત્ત એ પાપ કે શ્રાપનું ફળ નથી, પરંતુ જંતુજન્ય રોગ છે અને સારવાર ન મેળવેલા દર્દીઓના શ્વાસોશ્વાસથી ફેલાય છે. આ રોગ બહુ ઔષધીયો સારવારથી સંપૂર્ણપણે મટી શકે છે. તેની સારવાર દરેક સરકારી દવાખાનામાં વિનામૂલ્યે આપવામાં આવે છે.