25 ટકા જેટલું ઊંચું વ્યાજ વસૂલતો વ્યાજખોર ઝડપાયો,
વ્યાજખોરોને સીધા કરવા માટે પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે
અમદાવાદ, વ્યાજખોરો આતંકવાદીઓ જેવા હોય છે, તેઓ ઉઘરાણી માટે કોઈ પણ પ્રકારનો ત્રાસ આપે છે અને તેમના કારણે અત્યારસુધીમાં કેટલીય જિંદગીઓ હોમાઈ ગઈ છે. વ્યાજખોરો સામે શહેરભરના પોલીસ સ્ટેશનોમાં ઘણી ફરિયાદો નોંધાઈ ચૂકી છે તેમ છતાં તેઓ છાકટા થઈને ફરે છે.
આવા લોકોને સીધા કરવા માટે પોલીસે કવાયત હાથ ધરી છે અને એક એવા વ્યાજખોરને ઝડપી પાડ્યો છે, જે ૨૫ ટકા જેટલું ઊંચુ વ્યાજ લેતો હતો અને જાે વ્યક્તિ વાયદા પ્રમાણે ચોક્કસ દિવસે ચૂકવવામાં સફળ ન થાય તો તેને ધમકી પણ આપતો હતો.
જમાલપુરમાં વ્ચાજે નાણાં ધીરી રોજના પાંચ હજારના હપ્તાની સામે અઢી હજારનું વ્યાજ વસૂલતાં વ્યાજખોરને ગાયકવાડ હવેલી પોલીસે ઝડપી પાડ્યો હતો. વ્યાજખોરનું નામ દિનેશ વાઘેલા છે, જે સ્થાનિક લોકોને ૩૭ લાખ રૂપિયા આપી મોટા પ્રમાણમાં વ્યાજ લેતો હોવાનું સામે આવ્યું હતું.
દિનેશ વાઘેલાએ જમાલપુરમાં છૂટક ધંધો કરતાં નાના વેપારીને રોજ પાંચ હજાર ઉછીના આપતો અને તેના પર ૨૫૦૦ રૂપિયા વ્યાજ પેટે લેતો હતો. વેપારી નિયમિત ચૂકવતા પણ હતા. જાે કે, ઉત્તરાયણના બે દિવસ ધંધો બંધ રહેતા તેઓ વ્યાજ આપી શક્યા નહોતા.
દિનેશે તેમના ઘરના ચક્કર લગાવવાનું શરૂ કર્યું હતું અને ધમકી પણ આપવા લાગ્યો હતો. તેના ત્રાસથી પરેશાન વેપારીએ પોલીસનો સંપર્ક કર્યો હતો. જેના આધારે ગાયકવાડ હવેલી પોલીસે તેને પકડી પાડ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જણાવી દઈએ કે, પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે વ્યાજખોરોનો ત્રાસ દૂર કરવાની કવાયત હાથ ધરી છે. જેમાં સીનિયર પોલીસ અધિકારીઓ દ્વારા લોકદરબાર યોજીને લોકોના મનમાંથી વ્યાજખોરોનો ભય દૂર કરવાના પ્રયાસ થઈ રહ્યા છે.
ડીસીપી ઝોન ૩ સુશિલ અગ્રવાલે કહ્યું હતું કે, ‘સામાન્ય લોકોને પરેશાન કરતાં વ્યાજખોરો સામે કડક પગલા લેવામાં આવી રહ્યા છે. વ્યાજખોરોથી પરેશાન કોઈ પણ નાગરિક જાે પોલીસનો સંપર્ક કરશે તો તેમની રજૂઆત સાંભળી ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે અને તેમને પરેશાનીમાંથી મુક્તિ અપાવવામાં આવશે’.