ગુજરાતનું એક એવું ગામ જયાં ઘરે દીકરીના નામની નેમ પ્લેટ લગાવવામાં આવી છે
દરેક દીકરીના જન્મ સમયે સુકન્યા સમૃધ્ધિ યોજના અંતર્ગત ખાતું ખોલાવી તેમાં પ્રથમ હપ્તો જમા કરાવવાનું પણ નક્કી થયું છે.
રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાનું પાટીદડ ગામ કંઈક અનોખું છે. આ ગામ ‘દીકરી’ ગામ તરીકે ગુજરાતના અને દેશના અનેક ગામો માટે પ્રેરણારૂપ બન્યું છે. સમગ્ર ગામમાં જે પરિવારમાં દીકરી છે તેમના ઘરે દીકરીની નેમ પ્લેટ લગાવવામાં આવી છે.
આ ઉપરાંત, ગામમાં સમરસ બાલિકા પંચાયતની રચના કરાઈ છે. ગામમાં મહિલા સશક્તિકરણના કાર્યક્રમો પર ખાસ ભાર મુકવાનું નક્કી થયું છે. વળી, પ્રાઈવેટ કંપની સાથે સહભાગિતા કરીને સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે ગામની દરેક દીકરીના જન્મ સમયે સુકન્યા સમૃધ્ધિ યોજના અંતર્ગત ખાતું ખોલાવી તેમાં પ્રથમ હપ્તો જમા કરાવવાનું પણ નક્કી થયું છે. દીકરીને સન્માનવાની આ પહેલ ખરેખર સ્તુત્ય છે.
ગ્રામ્ય સ્તરે થતી આવી પહેલ સુખી, સમૃદ્ધ અને પરિપક્વ સમાજની રચનામાં ખૂબ મહત્ત્વની સાબિત થશે. “બેટી બચાઓ, બેટી પઢાઓ” મંત્રને સાકાર કરતા પાટીદડ ગામના સૌ રહીશો, ગ્રામ પંચાયત અને જિલ્લાતંત્ર તથા મહિલા અને બાળ વિકાસ વિભાગને હૃદયથી ખૂબ-ખૂબ અભિનંદન.