મહિલાઓ માટે ‘મતદાર જાગૃતિ પરિસંવાદ’નું જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરાયેલું આયોજન
કન્યા શિક્ષણ જેટલું જ મહત્વનું છે મહિલાઓ દ્વારા થતું મતદાન
(માહિતી) વડોદરા, ભારતની કુલ વસ્તીમાં પચાસ ટકા જેટલો હિસ્સો ધરાવતા મહિલાઓની પણ લોકશાહીમાં ભાગીદારી વધે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખી યોજાયેલા પરિસંવાદમાં કેટલાક રસપ્રદ તારણો અને વિધાનો નીકળ્યા હતા. આ વખતની ચૂંટણીમાં બહુચર્ચિત મુદ્દો છે, અર્બન એપેથિનો ! એટલે કે જે લોકોને લોકશાહી, તેમાં મતદાન અને નાગરિકોની ભૂમિકા વિશે સારી રીતે ખબર હોવા છતાં તેના પ્રત્યે ઉદાસીન વલણ રહે છે. એટલું જ નહીં, મતદાન કરવાનું પણ ટાળે છે.
આ પ્રકારના વલણના કારણે જ ગત ચૂંટણીમાં વડોદરા શહેરની બેઠકો કરતા વડોદરા ગ્રામ્યમાં આવેલી વિધાનસભા બેઠકો પર વધારે મતદાન થયું હતું. જેથી આ ચૂંટણીમાં શહેરી મહિલાઓની પણ મતદાન તરીકેની ભાગીદારી વધે, તેવા પ્રયત્નો જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અતુલ ગોર દ્વારા કરવામાં આવી રહ્યા છે.
જિલ્લા આયુર્વેદ અધિકારી ડો. સુધીર જાેશી દ્વારા સ્વીપ અંતર્ગત શહેરની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના દીપ ઓડિટોરિયમમાં સાંજે મતદાર જાગૃતિ પરિસંવાદ કાર્યક્રમ (મહિલા)નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વડોદરા શહેર વિસ્તારની મહિલાઓમાં મતદાન પ્રત્યે જાગૃતિ કેળવાય અને તંદુરસ્ત લોકશાહીને વધુ મજબૂત બનાવવાની પ્રક્રિયામાં ઉમળકાભેર ભાગ લે તે માટે સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા. ખાસ મહિલાઓ માટે યોજાયેલા આ કાર્યક્રમમાં લોકશાહીમાં ચૂંટણી અને મતદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, વડોદરાના નિયામક શ્રીમતી મીતા જાેશીએ મહિલાઓને મહત્તમ મતદાનની અપીલ કરી મતદાનના દિવસે સ્ત્રીશક્તિનો પરિચય બતાવવા કહ્યું, તો નાયબ પોલીસ કમિશનર શ્રીમતી પન્ના મોમાયાએ મહિલાઓ દ્વારા થતા મતદાનનું મહત્વ કન્યા કેળવણી જેટલું આંકીને મહિલા મતદારોને પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમના અંતે ડો. સુધીર જાેશી દ્વારા મતદાનનું મહત્વ સમજાવતી ચૂંટણીલક્ષી પ્રશ્નોતરી રમતનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને જાણીતા રેડિયો જાેકી જ્હાન્વીએ હોસ્ટ કર્યો હતો.
આ કાર્યક્રમમાં ડી. સી. પી., ઝોન-૧, શ્રીમતી જુલી કોઠીયા; શ્રીમતી રાધિકા ભારાઈ, એ. સી. પી., શી ટીમ; એમ. એસ. યુનિવર્સિટીના આસિસ્ટન્ટ ડાયરેક્ટર ડો. શીતલ વેકરીયા, યુનિ.નો મહિલા અધ્યાપક ગણ, સી. આઈ. આઈ. કંપનીના અગ્રણી મહિલા અધિકારીશ્રીઓ સહિતના મહિલા કર્મચારીઓ, વર્કિંગ પ્રોફેશનલ્સ, મેડિકલ ક્ષેત્રની મહિલા અગ્રણીઓ, મહિલા ઉદ્યોગ સાહસિકો, વિદ્યાર્થિનીઓ સહિત મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી.