સરદારધામ ખાતે ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઈઝેશનના સહયોગથી મતદાન જાગૃતિનો કાર્યક્રમ યોજાયો
વધુમાં વધુ લોકો મતદાન પર્વમાં સહભાગી થાય તે દિશામાં અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર કાર્યરત
અમદાવાદ જિલ્લામાં આગામી તા.7મી મે, 2024ના રોજ યોજાનારી લોકસભા સામાન્ય ચૂંટણીને અનુલક્ષીને ‘મતદાન જાગૃતિ’ અન્વયે અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અવનવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે, જે અંતર્ગત અનેક જગ્યાએ ‘મતદાન જાગૃતિ’ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.
અમદાવાદ શહેરના સરદારધામ ખાતે ‘મતદાન જાગૃતિ’ અભિયાન અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં GPBO (ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઈઝેશન)ના ઉદ્યોગસાહસિકો ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં તેમને મતદાન પર્વના મહત્ત્વ વિશે ચર્ચા કરવામાં આવી હતી.
આ ઉપરાંત ભારતીય ચૂંટણી પંચના નિર્દેશાનુસાર ઉપસ્થિત સૌ લોકોને પ્રેઝન્ટેશન દ્વારા ચૂંટણી અને મતદાન જેવી બાબતોની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. વધુમાં સૌ લોકોને ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલ તમામ વ્યવસ્થાઓ, હેલ્પલાઇન નંબર, સક્ષમ એપ્લિકેશન વિશે પણ માહિતી પૂરી પાડવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ ઉદ્યોગસાહસિકોએ દેશહિતમાં અચૂક મતદાનના અને પોતાની કંપનીના સ્ટાફ, મિત્રો અને પરિવારજનોને પણ મતદાન કરાવવાનો સંકલ્પ લીધો હતો.
આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રો જેવા કે, IT, CA, કન્સ્ટ્રકશન, ટુરિઝમ, ઓટોમોબાઇલ, ઇલેક્ટ્રોનિક્સ, એજ્યુકેશન, ઇવેન્ટ અને ફૂડ જેવા ક્ષેત્રો સાથે સંકળાયેલા બિઝનેસમેન અને ઉદ્યોગસાહસિકો ઉપસ્થિત રહ્યા હતા.
આગામી સમયમાં GPBO (ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઈઝેશન) દ્વારા અનેક લોકો સુધી ‘મતદાન જાગૃતિ’નો સંદેશો પહોંચાડી મહત્તમ મતદાન થાય તે દિશામાં પ્રયાસ કરવામાં આવશે.
આ પ્રસંગે GPBOના વિરાજ પટેલ, કલ્પેશ વઘાસિયા, બ્રિજેશ પટેલ, સંજય પટેલ, મિતેષ દઢાણીયા, ભાવિક હિંગરાજિયા અને સ્વીપ એક્ટિવિટીના નોડલ ઓફિસર યોગેશ પારેખ ઉપસ્થિત રહ્યા હતા.