અમદાવાદના રામોલ-વટવામાં પાણીજન્ય રોગચાળાનો કાળો કહેર
કોલેરાના ૯પ ટકા કેસ પૂર્વ-દક્ષિણ ઝોનમાં કન્ફર્મ થયા
(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, સ્માર્ટ સીટી અમદાવાદ શહેરમાં પાણી અને મચ્છરજન્ય રોગચાળાએ માજા મુકી છે ખાસ કરીને કોલેરા, કમળો, ટાઈફોઈડ અને ઝાડા -ઉલ્ટી જેવા પાણીજન્ય રોગના કેસમાં ચિંતાજનક હદે વધારો થઈ રહયો છે. શહેરના પૂર્વ અને દક્ષિણ ઝોનમાં કોલેરા અને કમળાએ ભરડો લીધો છે.
મ્યુનિ. આરોગ્ય વિભાગની નિષ્ક્રિયતાના પરિણામે નાગરિકો જીવલેણ રોગમાં સપડાઈ રહયા છે. કોલેરાના ૯૦ ટકા કેસ પૂર્વ અને દક્ષિણ ઝોનમાં જ કન્ફર્મ થયા છે. ખાસ કરીને વટવા અને રામોલ વોર્ડમાં આ રોગચાળાએ કાળો કહેર વર્તાવ્યો છે. અમદાવાદ શહેરમાં કોલેરાના કેસમાં સતત વધારો થઈ રહયો છે.
ર૦૧૯ બાદ પ્રથમ વખત કોલેરાના કેસની સંખ્યા વર્ષાંતે ૧૦૦ સુધી જાય તેવી શકયતા જાેવા મળી રહી છે. શહેરના વટવા અને રામોલ વિસ્તારમાં કોલેરા, કમળા અને ટાઈફોઈડના કેસ ખૂબ જ મોટા પ્રમાણમાં બહાર આવી રહયા છે. વર્ષ દરમિયાન ૩૦ સપ્ટેમ્બર સુધી કોલેરાના કુલ ૭પ કેસ નોંધાયા છે જે પૈકી વટવામાં ૧૭ અને રામોલમાં ર૭ કેસ કન્ફર્મ થયા છે.
જયારે દક્ષિણઝોનમાં કોલેરાના કુલ ૪૦ અને પૂર્વ ઝોનમાં ૩ર કેસ નોંધાયા છે. તેવી જ રીતે કમળાના રોગચાળાએ પણ આ બંને ઝોનમાં ભરડો લીધો છે. વર્ષ દરમિયાન કમળાના કુલ ૧૬૧૪ કેસ નોંધાયા છે જે પૈકી દક્ષિણ ઝોનમાં ૪પ૦ અને પૂર્વ ઝોનમાં ર૯પ કેસ કન્ફર્મ થયા છે.
દક્ષિણ ઝોનના લાંભા અને પૂર્વ ઝોનના અમરાઈવાડીમાં કમળાના કેસની સંખ્યા ૧૦૦ને પાર કરી ગઈ છે. શહેરના ઉત્તર ઝોનમાં પણ કમળાનો રોગચાળો સતત વધી રહયો છે. ઉત્તર ઝોનમાં કમળાના ર૪૭ કેસ કન્ફર્મ થયા છે. ઝોનના સરસપુર વોર્ડમાંથી કુલ ૬૮ કેસ નોંધાયા છે. ર૦ર૩ના પ્રથમ ૯ માસમાં ઝાડા-ઉલ્ટીના પપ૯૦ કેસ નોંધાયા છે
જે પૈકી દક્ષિણ ઝોનમાં ૧૯૬૯ અને પૂર્વ ઝોનમાં ૧૩પ૭ કેસ નોંધાયા છે. દક્ષિણ ઝોનના વટવા વોર્ડમાં ઝાડા-ઉલ્ટીના પ૮પ, લાંભામાં ૪૧ર, બહેરામપુરામાં ૩૭ર જયારે પૂર્વ ઝોનના અમરાઈવાડીમાં ૩૬૮ અને ગોમતીપુરમાંથી ર૬૮ કેસ નોંધાયા છે. દર વર્ષની માફક ચાલુ વર્ષે પણ ટાઈફોઈડના કેસ મોટાપાયે બહાર આવી રહયા છે.
વર્ષ દરમિયાન ૩૦ સપ્ટેમ્બર સુધી ટાઈફોઈડના ૩૪પ૭ કેસ નોંધાયા છે જે પૈકી દક્ષિણ ઝોનમાં ૧૪ર૮ અને પૂર્વ ઝોનમાં ૮પ૦ કેસ કન્ફર્મ થયા છે. વટવા વોર્ડમાં ૪૭૪, લાંભામાં ર૯૧, અમરાઈવાડીમાં ર૯૦, વસ્ત્રાલ-રર૧, રામોલ-હાથીજણમાં ૧૩૩ કેસ ટાઈફોઈડના નોંધાયા છે.
શહેરમાં સતત વકરી રહેલા પાણી અને મચ્છરજન્ય રોગચાળા મામલે મ્યુનિ. કમિશ્નરની રિવ્યુ મીટીંગમાં પણ ચર્ચા થઈ હતી. કમિશનરે મચ્છરજન્ય રોગચાળાના કેસમાં થઈ રહેલ વધારા મામલે નોર્વે દેશનું ઉદાહરણ આપ્યું હતું જયારે વટવા અને રામોલમાં કોલેરા અને કમળાનો જે કહેર વધી રહયો છે તે અંગે સ્પષ્ટતા માંગી હતી
જેના જવાબમાં હાજર આરોગ્ય અધિકારીએ આ બે વોર્ડમાં વરસાદી પાણી ભરાઈ રહેતા હોવાથી કોલેરાના કેસ વધી રહયા છે તેવો જવાબ આપી ઈજનેર વિભાગના માથે દોષનો ટોપલો ઢોળવા પ્રયાસ કર્યો હતો.