કબૂતરની ચરકના લીધે મહિલાને કરાવવું પડ્યું ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ

નવી દિલ્હી, ઘરની બાલ્કની કે આંગણામાં આવીને ઘૂ-ઘૂ કરતાં અને શાંતિના દૂત કહેવાતા કબૂતરની ચરક જીવલેણ સાબિત થઈ શકે છે. વડોદરાના જરોદ ગામના રહેવાસી ૪૨ વર્ષીય ડિમ્પલ શાહ છેલ્લા છ વર્ષથી ફેફસાની તકલીફથી પીડાતા હતા. તેમના ઘરની ચોકડી અને બાલ્કનીમાં પડેલી કબૂતરની ચરકના લીધે તેમને શ્વાસ લેવામાં તકલીફ થવા માંડી હતી.
તેમના ફેફસા સુધી પૂરતો ઓક્સિજન પહોંચતો જ નહોતો જેથી તેમને શ્વસનમાં ખૂબ તકલીફ થતી હતી. કેટલાય ડૉક્ટરોના ધક્કા ખાધા પછી આખરે ચેન્નાઈમાં તેમની પીડાનો અંત આવ્યો. ચેન્નાઈમાં તેમના બંને ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે. અંગદાન થકી ફેફસા મળી રહેતાં આખરે હવે તેઓ સામાન્ય જીવન જીવી શકે છે.
પોતાની પીડા વર્ણવતા ડિમ્પલ શાહે કહ્યું, હું થોડાક ડગલા ચાલું તો પણ શ્વાસ ચડી જતો હતો. જેના કારણે મને દૈનિક કાર્યો કરવામાં પણ તકલીફ થતી હતી. મેં અને મારા પતિએ વડોદરામાં જ એક્સપર્ટ તબીબોને બતાવ્યું અને તેમણે મને ઈન્ટરસ્ટિશિયલ લંગ ડિસીઝ હોવાનું નિદાન કર્યું હતું. મારું ઓક્સિજન સેચ્યુરેશન ૮૫-૯૦ ટકાની વચ્ચે રહેતું હતું. જાેકે, મને કોરોના થયો એ પછી મારી સ્થિતિ બગડવા લાગી હતી.
ILDની સાથે મને હાયપરસેન્સિટિવિટી ન્યૂમોનિટીસની પણ તકલીફ થઈ હતી. જેથી ડૉક્ટરોએ મને લંગ ટ્રાન્સપ્લાન્ટ કરાવવાની સલાહ આપી હતી. ડિમ્પલ શાહનું ચેન્નાઈમાં લંગ ટ્રાન્સપ્લાન્ટ થયું છે. ચેન્નાઈની હોસ્પિટલના હાર્ટ એન્ડ લંગ ટ્રાન્સપ્લાન્ટ વિભાગના ક્લિનિકલ હેડ અને સિનિયર કન્સલ્ટન્ટ ડૉ. આર. મોહનનું કહેવું છે કે, પક્ષીઓની ચરકના દરેક કેસમાં સ્થિતિ આટલી ગંભીર નથી થઈ જતી.
ડિમ્પલ શાહ છેલ્લા આઠ મહિનાથી અમારા સંપર્કમાં હતા અને યોગ્ય અંગદાતાની રાહ જાેતા હતા. ૧૯ વર્ષીય છોકરી બ્રેન ડેડ થતાં ડિમ્પલબેનને નવું જીવન મળ્યું છે. તેમની રિકવરી સારી થઈ રહી છે અને હાલ ઓક્સિજનના બાટલા વિના જ યોગ્ય શ્વસન કરી શકે છે”, તેમ તેમણે ઉમેર્યું. નિષ્ણાતોનું કહેવું છે કે, ફાયબ્રોસિસ અને ફંગલ ઈન્ફેક્શનના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે અને તેનું સીધું જાેડાણ કબૂતરની ચરક સાથે છે.
અમદાવાદના પલ્મોનોલોજીસ્ટ અને અમદાવાદ મેડિકલ અસોસિએશનના પ્રમુખ ડૉ. તુષાર પટેલે કહ્યું, “આસપાસની હવા, એસીનું બહારનું યુનિટ, બારીની સાંકડી પટ્ટી વગેરેમાં પક્ષીઓની ચરક સહિતનો કચરો ફસાઈ જાય છે. હવાની સાથે આ રજકણો અંદર આવે છે અને આપણા શ્વાસમાં જાય છે. એટલા માટે જ ઘરની આસપાસની જગ્યા પક્ષીઓની ચરકથી મુક્ત રાખવી જાેઈએ. ૪૦થી૬૦ વર્ષની વયના દર્દીઓમાં સામાન્ય રીતે કબૂતરના ચરકથી થતી શ્વાસની બીમારી જાેવા મળે છે.SS1MS