સ્ત્રી એટલે અદ્રશ્ય ઢાલ: બાળકમાં સંસ્કારોનું સિંચન તો “માતા” જ કરી શકે
સ્ત્રીનું સૌથી સુંદર રૂપ છે તો એ છે એક માતા તરીકેનું …આ દુનિયામાં સૌથી અનમોલ શબ્દ છે “મા”. દુનિયાનો એ એક માત્ર એવો શબ્દ છે ,જેને કોઈ પરિભાષાની જરૂર નથી ….કારણકે એ એક શબ્દ નથી એ એક અહેસાસ છે . બાળકને જન્મ આપનાર ,દુનિયાથી પરિચિત કરાવનાર અને એની આંગળી પકડીને ડગલાં ભરતાં શિખવાડનાર “માતા “ની તુલના કોઈની સાથે શું કરી શકાય ?
ઈશ્વરની સર્વોત્તમ રચના એટલે સ્ત્રી અને સ્ત્રીની પૂર્ણતા એટલે માતૃત્વ …
બાળકનાં જીવનમાં એક માર્ગદર્શકની ભૂમિકા બખૂબીપૂર્વક અદા કરનાર માતા બાળકના જીવનને આકાર આપે છે .બાળક અને માતાનો સંબંધ દુન્યવી તમામ સંબંધોમાં સૌથી અતૂટ અને અજોડ તો છે જ .પિતાનું સ્થાન બાળકના ઘડતરમાં પણ એટલુંજ મહત્વનું છે , પણ મા નો ઉપકાર નવ મહિના જેટલોતો વધારે છે જ ને ….
બાળકના જીવનમાં જયારે જયારે દુઃખ કે તકલીફ આવે દરેક માતા પોતાનાથી બનતું બધું કરી છૂટે છે .પોતાના બાળકની રક્ષા માટે તેણે ,કેટલીયે વાર નકલ્પી શકાય એવા પગલાં લીધેલા છે .બાળકમાં સંસ્કારોનું સિંચન તો મા જ કરી શકે .
માં બાળકની મિત્ર અને શિક્ષક બન્નેની ભૂમિકા સુપેરે કરે છે .સ્ત્રી માતા બની પોતાના સંતાનો માટે અને પત્ની બની પોતાના પરિવાર માટે તમામ તકલીફ હસતાં મોંએ સ્વીકારે છે …જે દુનિયા ના તમામ લોકો એ “કોરોના ના કહેર ” વખતે લોકડાઉનના સમય માં જોયું જ હશે .કેટલાયે મહિનાઓ સુધી પરિવારને એણે અડીખમ દિવાલ બની તમામ વિપરીત પરિસ્થિતિઓમાં સપોર્ટ કર્યો છે .આમ સ્ત્રી એક અદ્રશ્ય ઢાલ બની પરિવારની તમામ તકલીફોમાં સાથ આપે છે .
પણ હવે સમય આવ્યો છે બાળકે પણ મોટા થઇ માતા ની તકલીફોમાં એમનો સાથ નિભાવવાનો છે . જેમ માતા બાળકના સપના સાકાર કરવા તમામ દાયિત્વ ખુશીથી નિભાવે છે . સમય જતા બાળકે પણ માતાનો સમજણ સાથે સાથ નિભાવવો ખુબ જરૂરી છે . વધતી ઉંમરે માતાને પ્રેમ અને રિસ્પેક્ટ આપવું મહત્વનું છે ,કારણકે સ્ત્રી એ સંવેદનાથી સભર વ્યક્તિત્વ ઘરાવે છે .
જેમ પંખી અથાગ મહેનત કરી પોતાના બચ્ચાને ઉડતાં શીખવે છે પછી એને ખુલ્લાં આકાશમાં ઉડવાનું કહે છે ,તેવી જ રીતે માતા પોતાના બાળકમાં સારા સંસ્કારોનું સિંચન કરી સમાજમાં સારો અને સાચો માનવ બનવા એને મૂકે છે .જયારે બાળક પુખ્ત વયનું થાય અને પોતાની જવાબદારી લેતા શીખે ત્યારે તેણે તેની માતાને ,તેની કૌટુંબિક જવાબદારી માંથી મુક્ત કરી એને એની અધૂરી તમન્નાઓ અને અધૂરા સપનાઓ પુરા કરવામાં જરૂર સાથ આપવો જોઈએ .
જીવનનો મોટાભાગનો તબક્કો સ્ટ્રેસ સાથે જીવીને સ્ત્રીની કાર્યક્ષમતા અને શારીરિક ક્ષમતામાં ખુબ તેજીથી ધટાડો થઇ રહ્યો છે .ઘેરની બહાર નીકળીને આર્થિક રીતે સધ્ધર થતાં સ્ત્રીને જોબક્ષ ઉપરોક્ત વાતની સાથે સાથે એ વાત પણ જાણવી એટલીજ જરૂરી છે , કે સમય બદલાયો છે ….માતૃત્વ તો સ્ત્રી માટે એક અવર્ણીનીય અનુભવ છે જ , પણ કોઈક કારણસર કોઈ સ્ત્રી માતા નથી બની શકી તો ત્યાં તે સ્ત્રીનું જીવન સમાપ્ત નથી થઇ જતું .દુનિયાના તમામ ક્ષેત્રો સ્ત્રીને આવકારે છે .સ્ત્રી એ પણ તમામ ક્ષેત્રોમાં પોતાના પરિશ્રમ અને સાહસિકતા થી અનોખી છબી ઉજાગર કરી છે .
સ્ત્રીના કર્તવ્યો નું લિસ્ટ તો સમાજ પાસે કદાચ બહુ લાબું હશે પણ સમાજ પણ સ્ત્રી પ્રત્યેના કર્તવ્યો સાચી સમજણ દાખવી પુરા કરે એ જોવું જરૂરી છે .જે ઘરમાં તે જન્મીને મોટી થઈ એ ઘરને છોડી ને પોતાનાં પતિના ઘરને પળવારમાં પોતાનું સમજી ખુશીથી જીવવા લાગવું …કદાચ એ એક સ્ત્રી જ કરી શકે .એના આ ત્યાગને સમજવા પરિવાર પાસે પ્રેમ અને સહૃદયતા ની અપેક્ષા જરૂર છે .સ્ત્રી થકી ઘર અને સમાજ શોભે છે .સ્ત્રીએ પણ પોતાની જાતને ગૌરાન્વિત થાય તેવા કાર્યો કરી સમાજમાં સુંદર છાપ છોડવી જોઈએ .
ઈશ્વરે પોતાના કામનું ભારણ ઓછું કરવા પોતાના જેવું થોડાક અંશે , કામ સ્ત્રી ને સોપ્યું છે . એક નવા જીવને પૃથ્વી પર લાવવાનું …..
મકાનના પાયામાં પ્રેમ , ત્યાગ , કરુણા અને સહનશીલતા સીંચે એ સ્ત્રી .પોતાના સંતાનો માટે આખી જિંદગી હોમી દે છે એ છે સ્ત્રી . પરિવાર માટે બધું ત્યજીને પણ ખુશી વહેંચે એ છે સ્ત્રી .ઇંટ અને સિમેન્ટથી બનેલાં મકાનને ઘર બનાવનાર સ્ત્રીનો , સમાજ સદાય ઋણી રહેશે.