ટ્રેનમાં સવાર મહિલા મુસાફરના પર્સની ચોરી થઇ
આણંદ, આણંદના રેલવે સ્ટેશન પરથી પસાર થઇ રહેલી ટ્રેનમાં સવાર મહિલા મુસાફરનું રૂ.૪૩ હજારની મત્તા ભરેલું પર્સ અજાણ્યો શખ્સ ચોરી કરી નાસી ગયો હતો. આ અંગે રેલવે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. અમદાવાદના બાવળા ગામે રહેતા કંચનબેન ર્નિમલભાઈ યાદવ ઘરકામ કરે છે. તેઓ ૨૫મી નવેમ્બરના રોજ રાત્રિના બોરીવલ્લી એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યાં હતા.
આ ટ્રેન આણંદ પાસેથી પસાર થઇ રહી હતી, તે દરમિયાન કોઇ અજાણ્યા શખ્સે તેમનું ચીકું કલરનું પર્સ તફડાવ્યું હતું. આ પર્સમાં સોનાની બુટ્ટી, અંગુઠી, રોકડા, મોબાઇલ મળી કુલ રૂ.૪૩ હજારનો મુદ્દામાલ હતો. કંચનબેને આસપાસમાં તપાસ કરવા છતા પર્સ ચોરનાર મળી આવ્યો ન હતો. આખરે આ અંગે આણંદ રેલવે પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.