મહિલા પ્રવાસીએ રિક્ષાચાલકને પ્રસાદનો પેંડો ખવડાવી લૂંટી લીધો
અમદાવાદ, રિક્ષાચાલક કે તેના સાગરીત સાથે મળી પેસેન્જરને લૂંટી લેતા હોય તેવા બનાવો નોંધાયા છે પણ કાગડાપીઠ પોલીસ મથકમાં આજે એવી ફરિયાદ નોંધાઈ છે કે, જેમાં એક મહિલાએ વૃદ્ધ રિક્ષાચાલકને પ્રસાદનો પેંડો ખવડાવીને તેની સોનાની બે વીંટી અને રોકડા રૂા. દસ હજાર લૂંટી લીધા હતા.
મણિનગરમાં રહેતા શૈલેષભાઈ વ્યાસ રિક્ષા ડ્રાઈવિંગ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના ઘરે પેઈન્ટિંગનું કામ કરવાનું હોવાથી તેઓ ગઈ ૧૯ ઓગસ્ટે રિક્ષા લઈ ગોરધનવાડી ટેકરા નજીક પેઈન્ટરને મળવા ગયા હતા. તેઓ પરત ફરતા હતા ત્યારે ઉર્મિકુંજ સોસાયટી નજીક એક મહિલા ઉભી હતી.
પેસેન્જર સમજીને તેને રિક્ષામાં બેસાડી હતી. આ મહિલાએ ભાડુઆતનગર યમુનાજીની હવેલી નજીકથી મીઠાઈ ખરીદીને ઘોડાસર ચોકડી નજીક વૈભવલક્ષી માતાજી મંદિરે તેની પ્રસાદી ધરાવી હતી. પ્રસાદી તરીકે આ પેંડો મહિલાએ રિક્ષાચાલકને ખવડાવ્યો હતો. બાદમાં રિક્ષાચાલકને કંઈ ભાન રહ્યું ન હતું.
બાદમાં રિક્ષાચાલકને આ મહિલા રબારી કોલોની લઈ ગઈ હતી. ત્યાં મહિલા રિક્ષાચાલકની રૂા. ૬૦ હજારની સોનાની બે વિંટી કાઢી ફરાર થઈ ગઈ હતી. કૃષ્ણનગર નજીક રિક્ષાલાચક બેભાન હાલતમાં મળી આવ્યો હતો. તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.