કાલોલની પીડિત મહિલાને તેઓનું ત્રણ વર્ષનું બાળક ૧૮૧ ની ટીમે પાછું અપાવ્યું

(પ્રતિનિધિ) ગોધરા, પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં એક પીડિત મહિલના ત્રણ વર્ષના બાળકને તેમના પતિ અને સાસુ સસરાએ છીનવી લીધું હતું, જેથી તેઓએ ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન પાસે મદદની માંગણી કરી. ૧૮૧ ની ટીમ જ્યારે ઘટના સ્થળે પહોંચી ત્યારે પીડિત મહિલા જણાવે છે કે, “મારા ત્રણ વર્ષના બાળકને મારા પતિ અને સાસુ સસરાએ લઈ લીધું છે.
હું હાલોલ જી.આઇ.ડી.સી. મકાનમાં રહું છું અને અમારા હજુ લગ્ન નથી થયા. હું કંપનીમાં જોબ કરતી હતી ત્યાં મારો પતિ પણ જોબ કરતો હતો. ત્યારે મારા પતિએ મને જણાવ્યું હતું કે તેઓના લગ્ન થઈ ગયા છે અને પહેલી પત્ની દ્વારા તેઓના બે બાળકો પણ છે, પરંતુ તેઓ તેમની જોડે રહેવા નથી માંગતા. પહેલી પત્નીને છૂટું આપી તેઓ મારી જોડે રહેવા માંગે છે એવું તેમણે મને જણાવ્યું,
આવી રીતે વિશ્વાસમાં લઈ તેઓએ મારી જોડે જી.આઈ.ડી.સી.માં રહેવાનું શરૂ કર્યું અને તેઓ દ્વારા મને ત્રણ વર્ષનું બાળક પણ છે. પરંતુ હવે તેઓ મારી જોડે રહેવા નથી માગતા. જ્યારે હું કંપનીમાં જોબ કરતી હતી ત્યારે મારી ઉંમર ૧૭ વર્ષની હતી. તે સમયે મારા પતિએ મારી જોડે રહેવા માટે મને કહ્યું હતું. તેઓના વિશ્વાસથી હું તેમની જોડે રહેતી હતી.
તેમણે કહ્યું હતું કે મારી પહેલી પત્નીને હું છૂટું આપી દઈશ. ત્યારબાદ તેઓએ પંચ બોલાવી પહેલી પત્નીને છૂટું આપી દીધુ હતું. ત્યારબાદ તેઓ મારી જોડે રહેવા લાગ્યા. પરંતુ તેઓ મારી જોડે મારપીટ કરી મને અપશબ્દ બોલતા હતા. તેથી મને એ પસંદ ન આવતા મેં પણ એને છૂટું આપી દીધું. ત્યારબાદ મેં બીજા લગ્ન કરી લીધા. પરંતુ તેઓનું આયુષ્ય બહુ લાંબુ નહીં હતું તેથી તેઓ મૃત્યુ પામ્યા.
ત્યારબાદ કંપનીમાં અમે ફરીથી મળ્યા અને એકબીજા જોડે રહેવાનું નક્કી કર્યું. ત્યારબાદ મને તેઓ દ્વારા એક બાળકનો જન્મ થયો. પરંતુ બાળકના જન્મ બાદ તેઓ મારી જોડે સારું વર્તન કરતા ન હતા. તેઓ જ્યારે કંપનીમાં જતા ત્યારે મને રૂમમાં પૂરીને જતા હતા. મને કોઈ પણ જગ્યાએ ફરવા માટે પણ જવા દેતા નહીં હતા. આવી પરિસ્થિતિ માટે આપણે જે પત્નીને છૂટું આપ્યું હતું તેમની જોડે પણ રહેવાનું ચાલુ કર્યું.
અને મારી જોડે રહેતા ત્યારે મને અપશબ્દ બોલી મારપીટ કરતા હતા. જ્યારે પણ તેઓ કોઈ જગ્યાએ જવાના હોય ત્યારે મને રૂમમાં પૂરીને જતા હતા. આવી પરિસ્થિતિમાં હું તેમના જોડે કેવી રીતે રહું. મને મારા બાળક જોડે પણ રહેવા દેતા ન હતા. આવી રીતે વારંવાર તકલીફો સહન કરી હું તેઓની જોડે રહેતી હતી.પરંતુ હવે હું સહન કરી શકું એમ નથી.
તેથી મેં ૧૮૧ અભયમ ટીમની મદદ માટે ફોન કર્યો હતો.” ત્યારબાદ ૧૮૧ અભયમ ટીમ ઘટના સ્થળે પહોંચી બંને પક્ષોનું કાઉન્સિલિંગ કર્યું. પતિ દ્વારા છીનવી લેવાયેલ પીડિત મહિલાનું બાળક તેઓને પાછું અપાવ્યું. ત્યારે પીડિત મહિલાએ ૧૮૧ ટીમના આભાર માન્યો. ત્યારબાદ આ કેસની વધુ તપાસ માટે તેઓને પોલીસ સ્ટેશન લઈ જઈ તપાસ કરવાની માંગણી કરી.