સુરતમાં અડાજણમાં મહિલાને સિટીબસે કચડી નાંખી
સુરત, સુરતના અડાજણ વિસ્તારમાં પુત્રીને સ્કુલે મૂકીને ઘરે પરત જતી મહિલાને સિટી બસે કચડી નાંખી હતી. પોલીસે કાયદાનો પાઠ ભણાવવા સિટીબસના ડ્રાઈવરનું જાહેરમાં સરઘસ કાઢ્યું હતું. સુરત શહેરમાં વાહન અકસ્માતના બનાવોમાં વધારો નોંધાઈ રહ્યો છે.
શહેરમાં માતેલા સાંઢની જેમ દોડતી સિટી અને બીઆરટીએસ બસના કારણે અનેક વખત અકસ્માત સર્જી રાંદેરની મહિલાનો જીવ લીધો હતો. દીકરીને શાળાએ મૂકી મોપેડ પર પરત ઘરે જતી મહિલાનું અડાજણ વિસ્તારમાં શ્રીરામ પેટ્રોલ પંપની સામે કાળરૂપી સિટી બસે અડફેટે લેતાં મોત થયું હતું.
મહિલાના મોતના પગલે બે દીકરીએ માતાની મમતા ગુમાવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ રાજકોટ જિલ્લાના વતની સુરત શહેરના રાંદેર સ્થિત ઉગત રોડ પર જહાંગીરપુરા ખાતે આવેલી સ્વસ્તિક રો-હાઉસમાં રહેતા કલ્પેશભાઈ સોની પરિવાર સાથે રહે છે.
તેમને સંતાનમાં મેઘા અને ઈશા નામની બે પુત્રી છે. પુત્રી મેઘા વડોદરા ખાતે આવેલી પારૂલ યુનિવર્સિટી ખાતે આયુર્વેદિક તબીબનો અભ્યાસ કરી રહી છે, જયારે ઈશા ૧૨ સાયન્સમાં અભ્યાસ કરે છે. કલ્પેશભાઈ ખાનગી કંપનીમાં નોકરી કરે છે.
કલ્પેશભાઈના પત્ની ૪૨ વર્ષીય દિવ્યાબેન આજે સવારે અડાજણ ખાતે આવેલી એલ.એચ. બોઘરા વિધાલયમાં અભ્યાસ કરતી પુત્રી ઈશાને શાળાએ મુકવા માટે ગયા હતા. પુત્રીને શાળા બહાર છોડ્યા બાદ મોપેડ પર ઘરે પરત ફરતા હતા.
દરમિયાન દિવ્યાબેન અડાજણ આનંદમહેલ રોડ શ્રીરામ પેટ્રોલ પંપ પાસેથી પસાર થતાં હતા ત્યારે લાલ કલરની સિટી બસના ડ્રાઈવરે મોપેડને ટક્કર મારતા રસ્તા ઉપર પટકાયેલી દિવ્યા સોનીનું ઘટના સ્થળે જ પ્રાણપંખેરુ ઊડી ગયું હતું. અકસ્માતના બનાવ અંગે અડાજણ પોલીસને જાણ કરાતા પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસે અકસ્માત સર્જનાર બસના ડ્રાઈવર લાલજી નાગેશ્રીની સામે ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી અને તેનું જાહેરમાં સરઘસ કાઢી કાયદાનો પાઠ ભણાવ્યો હતો.SS1MS