મોલમાં માત્ર ઘી ના પાઉચ ચોરી કરવા આવતી મહિલા ઝડપાઈ
મહેસાણા, મહેસાણાના ડીમાર્ટ મોલમાંથી બે વખત કુલ રૂ.ર૧,૬૦૦ની કિંમતના ઘીનાં પાઉચ ચોરી જનાર મહિલા ત્રીજી વખત આવતા તેને ઝડપી લઈ તાલુકા પોલીસ મથકને સોંપાઈ હતી.
મહેસાણાના બાયપાસ પર પાંચોટ સર્કલ પાસે આવેલા ડીમાર્ટ મોલમાં ગોઠવેલાં ઘીના પાઉચની ગત ૧૯ સપ્ટેમ્બરે ગણતરી કરાતાં ઓછા હોવાથી સીસીટીવી કુટેજની તપાસ કરાઈ હતી. જેમાં ૧૮ સપ્ટેમ્બરે સાંજે ડીમાર્ટમાં પ્રવેશેલી એક સ્ત્રી સાગર ઘીના પાઉચ બાસ્કેટમાં મુકતી અને ત્યાંથી નજર ચૂકવીને તેણે પહેરેલા ઘાઘરામાં સંતાડી કાઉન્ટર પર એક બેડસીટ તથા રમકડાનું બિલ બનાવડાવી તેનું પેમેન્ટ રૂ.૪૦૮ કર્યું હતું.
કલાક બાદ ફરીથી એ સ્ત્રીએ ડીમાર્ટમાં પ્રવેશીને એ જ પ્રમાણે સાગર તથા અમુલ ઘીના પાઉચ ઘાઘરામાં સંતાડી તેણે ખરીદેલી અન્ય ચાર વસ્તુઓનું કાઉન્ટર પર પેમેન્ટ રૂ.પ૦ર કરી નીકળી ગઈ હતી.
જે ધીમે ધીમે ચાલતી રોડ પર ઉભેલી રિક્ષામાં બેસવા ગયેલી હતી. તપાસ કરતા આ સ્ત્રીએ વેજલપુરના ડીમાર્ટ મોલમાંથી પણ ઘીનાં પાઉચની ચોરી કરી હતી અને તે બાબતે ફરિયાદ પણ આપેલી હતી જેથી આ સ્ત્રી બાબતે તમામ સ્ટાફને જાણ કરાઈ હતી.
દરમિયાન મંગળવારે આ સ્ત્રી મોલની બાજુમાં ઉભી હોઈ સ્ટાફ ઓળખી જતાં પુછપરછમાં તે ઉષાબેન વિજયભાઈ ગોરાસવા (દેવીપૂજક) (રહે. ચીતલ, તા.જિ.અમરેલી) હોવાનું અને તેણે ચોરી કરી હોવાનું જણાવતા પોલીસ મથકે લઈ જઈ ડીમાર્ટના મેનેજર પંકજકુમાર જહાએ તેની વિરુદ્ધ ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.