નારીનો સદાબહાર શૃંગાર : સાડી
ભારતીય સંસ્કૃતિમાં વિવિધ પ્રાંતોમાં અનેક પ્રકારે સાડી સદાસર્વદા શિરમોર રહી છે
સાડી ફકત બે અક્ષરોનું નામ છે. પણ આ સાડાપાંચ મીટરનું ચીર જયારે સ્ત્રીની કમનીય કાયાને વીંટળાઈ વળે ત્યારે ભલભલા પુરુષોને પણ પાણી પાણી કરી દે છે. કહેવાય છે કે મહાભારતમાં દુઃશાસન જયારે ભરી સભામાં દ્રૌપદીના ચીર હરવા લાગ્યો હતો ત્યારે દ્રૌપદીએ કૃષ્ણ ભગવાનને સમર્યા હતા અને પોતાના સાચા ભક્તોની ભીડ ટાળનારા કૃષ્ણે સમયસર પહોંચી જઈને દ્રૌપદીને ભાતભાતના ચીર એટલે કે સાડીઓ ઉપલબ્ધ કરાવી હતી.
આપણી ભારતીય સંસ્કૃતિમાં સાડીનું મુલ્ય અદકેરું છે. હજારો વર્ષોથી સાડી સ્ત્રીના સ્ત્રીત્વને ઓપ આપતી આવી છે. આશેર પાંચ હજાર વર્ષ પહેલા સિંધુ ખીણની જગ્યાએ એક રંગીન કપડાનો ટુકડો મળી આવ્યો હતો, તે બતાવે કે આપણી સંસ્કૃતિમાં સાજ શણગારને હંમેશા મહત્વ આપવામાં આવ્યું છે. આપણામાં સાસરે જતી દીકરીને કરિયાવરમાં સાડીઓ આપવામાં આવે છે.
સવારના ઘરની અંદર સાડીનો છેડો માથે લઈને ફરતી વહુને કારણે વાતાવરણમાં જીવંતતા આવી જાય છે, પણ પછી એ જ વહુ સમી સાંજે પોતાના મનના માણિગરના દિલડાની ખડકી ખટખટાવવા નવું રૂપ સજે છે. સ્ત્રીના આવા અનેક રૂપોને તાદ્રશ્યમાન કરવા માટે સાડી હંમેશા તૈયાર હોય છે. બીજી અનેક ઘટનાઓમાં સાડી મદદરૂપ થાય છે.
જેમ કે કોઈ બાળક ડરી ગયું હોય તો તે તરત દોડીને પોતાની માતાના પાલવ તળે શરણું શોધી લે છે તે પ્રમાણે દુઃખના ડુંગરા હેઠળ કચડાતી નારી પોતાની વેદનાના ડુસકાને સાડીના પાલવને મોઢામાં લઈને છૂપાવતી ફરે છે ક્યારેક શરમની મારી લાલ થઈ ગયેલી સ્ત્રી પોતાના ચહેરા પરના ભાવ છૂપાવવા ઘૂમટો તાણી લે છે. તેનાથી વિપરીત આ ઘૂમટો ક્યારેક સ્ત્રીની ખંધાઈને લોકો સમક્ષ ઉજાગર ન કરવા માટે પણ કામમાં લેવાય છે.
ભારત વિવિધતાથી ભરેલો દેશ છે. અહીં જેમ બારગાઉએ બોલી બદલાય તેમ પ્રદેશની રહેણીકરણી પ્રમાણે સ્ત્રીઓ સાડી ધારણ કરે છે. બંગાળી સ્ત્રીઓ બંગાળી ઢબે સાડી પહેરે છે અને સાડીના એક છેડે ઘરની ચાવીના ઝુમખાને બાંધીને તેને ખભાની પાછળની તરફ ઢળતો રાખે છે. મુંબઈની માછીમાર પોરગીને તમે મહેશભટ્ટની “દિલ હૈ કે માનતા નહીં”ના “ગળ્યાત સાંકળી સોન્યાચી, હી પોરગી કોણાચી”ના ગીતમાં નિહાળી હશે. આ માછીમાર સ્ત્રીઓની સાડી પહેરવાની સ્ટાઈલ ટિપિકલ હોય છે.
માથે માછલીઓના ટોપલાને લાવવા લઈ જવામાં સુગમતા રહે એટલે તે સાડીની પાટલીને બે પગની વચ્ચેથી લઈને પાછળ કમરમાં ભરાવી દે છે આવી ઘણી સ્ત્રીને તમે મુંબઈની લોકલ ટ્રેનમાં દેકારો કરતી જાેઈ હશે. કોઈને ત્યાં લગ્નપ્રસંગ હોય કે પછી બાળકનો જન્મ થયો હોય અથવા રવિવારે થિયેટરમાં નાટક જાેવા જવાનું હોય, ગુજજુ બેરાંઓને તમે ગુજરાતી ઢબે સાડી પહેરીને વિહરતી જાેઈ શકશો. ગુજરાતી સ્ત્રીઓ પોતાના સાડીના પાલવને આગળની તરફ ઢળેલો રાખે છે. બંગાળી સ્ત્રીઓની માફક છેડલે ચાવીનો ઝુમખો બાંધવાને બદલે નકશીદાર ઝૂડામાં ચાવીઓને ભરાવીને તેને પોતાની કમરમાં ખોસે છે.
આતો થઈ ભારતના વિવિધ પ્રદેશમાં પહેરાતી સાડીઓની સ્ટાઈલની વાત, પણ આજની આધુનિક સ્ત્રીઓએ સાડીને એક નવો જ ઘાટ આપ્યો છે. હાલમાં તમને ભારતના જાણીતા પેઈન્ટરો દ્વારા પેઈન્ટ કરેલી સાડી પણ જાેવા મળશે. મુંબઈની અનેક નામાંકિત સાડીઓની દુકાનમાં તમને મોડર્ન સાડીઓ જ જાેવા મળશે. અહીયા તમે દિલ્હીમાં રહેતા અને પોતાના કામ થકી દેશ-પરદેશમાં જાણીતા એવા સત્યા પોલેની સાડીઓ પણ મેળવી શકો. કલકતા સ્થિત પિતાબરીના પ્રણેતાની સાડીઓ પણ તમને અહીંના સ્ટોરોમાં જાેવા મળશે.
પરદેશની ઘણી અભિનેત્રીઓને સત્યા પોલની સાડીઓનું ઘેલું છે. આ સાડીઓના દામ લાખ રૂપિયાની ઉપર હોય છે. કેટલીક સ્ત્રીઓને સાડીઓથી ધરાવો જ થતો નથી. કહેવાય છે કે અનુપમ ખેરની પત્ની કિરણ ખેરના બેડરૂમમાં હજારો સાડીઓ વોર્ડરોબની શોભા વધારી રહી છે. આપણા ભૂતપૂર્વ સદ્ગત વડાપ્રધાન ઈંદિરા ગાંધી પાસે પણ કોટન અને સિલ્કની સાડીઓનો અનોખો સંગ્રહ હતો. તામિલનાડુના જયલલિતા અને અભિનેત્રી હેમા માલિની પણ સાડીઓનો વિપુલ જથ્થો ધરાવે છે.
સ્ત્રીઓ રંગના મામલામાં ખૂબ જ સાવચેતી રાખે છે. પોતાની કાયા પર કયો રંગ શોભશે તે જાણીને જ સાડીની ખરીદી કરે છે. બજારમાં અનેક રંગ અને પ્રકારની સાડીઓ ઉપલબ્ધ છે. પહેલા આપણે રંગની વાત લઈએ. જાે સ્ત્રીના રૂપરંગ ગોરા હશે તો તેના પર સફેદ, આછો ગુલાબી, પીળો અને આકાશી બ્લુરંગની સાડીઓ દીપી ઉઠશે. ઘઉવર્ણી સ્ત્રીઓમાં દરેક પ્રકારના આછા રંગની સાડીઓ લોકપ્રિય છે. દરેક નવોઢાને ચોરીના ચાર ફેરા ફરતી વખત ેલાલ રંગનું ઘરચોળું પહેરવું પડે છે. દુનિયાનું સર્જન કનાર બ્રહ્માજીનો રંગ પણ લાલ છે. પીળો રંગ વસંતની છડી પોકારે છે અને પ્રેમીને ફાગના રંગ ખેલવાનું આમંત્રણ આપે છે.
હવે આપણે સાડીઓના પ્રકાર જાેઈએ, અહી તમને સાદી કોટનની સાડીઓથી લઈને સોનાના તાંતણેથી બનાવેલી ઝરદોશી સાડીઓ પણ મળશે. દરેક નવોઢાના કરિયાવરમાં તમને સેલા તો અચુક જાેવા મળે. કહેવાય છે કે ભારતમાં ઝરદોશી સાડીઓનું ચલણ વધારનાર મુગલો હતા. બંગાળની કાંથા સાડીઓમાં તમને ટસર સિલ્ક પર સુંદર ભરતકામ કરેલું જાેવા મળે. લખનઉની મુસ્લિમ સંસ્કૃતિમાં ચિકનનું ઘેલું છે. તેમાં મુખ્યત્વે સફેદ કપડા પર સફેદ દોરાનું ભરતકામ કરીને સુંદર રીતે બનાવવામાં આવે છે.
ઈક્કતની સાડીઓમાં ઓરિસા અને ગુજરાત મોખરે છે. ગુજરાતના પાટણ શહેરના પટોળા ઈક્કતની જાતિના છે. ગુજરાતમાં તો કચ્છ અને જામનગરની બાંધણી પણ મશહુર છે. લાલ, પીળા, લીલા રંગમાં અવનવી ભાતવાળી બાંધણી પહેરેલી ગુજરાતણોને જાેવી એ પણ એક મહામૂલો અવસર છે. સોનાના તાંતણે બંધાઈને તૈયાર થયેલી જામદાની ડિઝાઈનની વેકંટાગીરી સાડી પહેરવામાં ઘણી હળવી હોય છે. ઈન્દોરની મહેશ્વરી સાડી પણ વજનમાં હલકી છે.