સરદાર જયંતી નિમિત્તે ખોડલધામમાં તૈયાર કરાઈ અદભુત અને વિશાળ રંગોળી
૭૫ ફૂટ ઉંચી અને ૩૦ ફૂટ પહોળી રંગોળીને યુનિવર્સલ વર્લ્ડ રેકોર્ડ અને ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન
કાગવડ, રાજકોટઃ ૩૧ ઓક્ટોબર એટલે દેશની એકતાના શિલ્પી એવા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી. સરદાર પટેલની જન્મ જયંતીની ઠેર ઠેર વિવિધ રૂપે ઉજવણી થઈ હતી ત્યારે શ્રી ખોડલધામ મંદિર પરિસરમાં એક અદભૂત અને વિશાળ રંગોળી તૈયાર કરીને સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી.
શ્રી ખોડલધામ મંદિર પરિસરમાં સરદાર વલ્લભભાઈ પટેલની ૭૫ વર્ષની આયુષ્યની સ્મૃતિ રૂપે સુરતના કલાર્પણ આર્ટ ક્લાસના આર્ટીસ્ટો દ્વારા એક રિયાલિસ્ટિક પોટ્રેટ રંગોળી તૈયાર કરવામાં આવી હતી. સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે પ્રસ્થાપિત કરાયેલી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાની આબેહૂબ આકૃતિ આ રંગોળી દ્વારા તૈયાર કરવામાં આવી હતી.
આ રંગોળીની ઉંચાઈ ૭૫ ફૂટ અને પહોળાઈ ૩૦ ફૂટ છે. આ રંગોળી તૈયાર કરવામાં ૨૧ જેટલા આર્ટીસ્ટોએ પોતાની ભૂમિકા ભજવી છે અને સતત ૧૨ કલાકની મહેનતથી આ રિયાલિસ્ટિક પોટ્રેટ રંગોળી તૈયાર કરવામાં આવી છે. આ રંગોળી તૈયાર કરવા માટે ૪૫૦ કિલો કલરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
આ તકે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેનશ્રી નરેશભાઈ પટેલે પણ આ અલૌકિક રંગોળી તૈયાર કરનાર સુરતના કલાર્પણ આર્ટ ક્લાસના આર્ટીસ્ટોની કળાની બિરદાવી હતી. આ અદભુત અને વિશાળ રિયાલિસ્ટિક પોટ્રેટ રંગોળીને યુનિવર્સલ વર્લ્ડ રેકોર્ડ અને ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે અને અન્ય રેકોર્ડ બુકમાં નામ નોંધાવવા માટેની પ્રક્રિયા ચાલી રહી છે.
અત્યાર સુધી સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં પ્રસ્થાપિત સરદાર પટેલની પ્રતિમાની રિયાલિસ્ટિક પોટ્રેટ રંગોળી કોઈએ પણ તૈયાર કરી નથી. ત્યારે પ્રથમ વખત આ પ્રકારની રિયાલિસ્ટિક પોટ્રેટ રંગોળી ખોડલધામ મંદિર પરિસરમાં તૈયાર કરવામાં આવતા અનોખો રેકોર્ડ નોંધાયો છે.