Western Times News

Gujarati News

અંતરિક્ષમાં ૭-૧૦ જાન્યુઆરીએ અદભુત પ્રયોગ કરવામાં આવશે

મુંબઇ, ૨૦૨૪ની ૩૦, ડિસેમ્બરે, રાતના ૧૦ઃ૦૦ વાગે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન(ઇસરો)ના પોલાર સેટેલાઇટ લોન્ચ વેહિકલ—સી ૬૦(પીએસએલવી-સી૬૦) દ્વારા સ્પેસ ડોકિંંગ એક્સપરિમેન્ટ(સ્પેડેક્સ) મિશનને સંપૂર્ણ સલામતી અને સફળતા સાથે તરતું મૂકવામાં આવ્યું છે.

સ્પેસડેક્સ મિશન અમારા શ્રીહરિકોટાના સ્પેસ સેન્ટર પરનું ૯૯ મું સફળ મિશન છે. સ્પેડેક્સ મિશનમાં એસડીએક્સ૦૧—ચેઝર- અને એસડીએક્સ૦૨- ટાર્ગેટ—એમ બે સેટેલાઇટ્‌સ છે. બંને સેટલાઇટ્‌સનું વજન ૨૨૦-૨૨૦ કિલો છે. ૨૦૨૪નું વર્ષ વિદાય લઇ રહ્યું છે ત્યારે સ્પેડેક્સ મિશન અમારા માટે બહુ જ મહત્વનું બની રહેશ.

ખાસ કરીને ૨૦૨૫ના નવા વર્ષના પહેલા જ સપ્તાહમાં જ ૭થી ૧૦, જાન્યુઆરી દરમિયાન અફાટ અંતરિક્ષમાં ૪૭૫ કિલોમીટરના અંતરે સ્પેડેક્સ મિશનના બંને સેટેલાઇટ્‌સનું ડોકિંગ(બંને સેટેલાઇટ્‌સ એકબીજા સાથે જોડાઇ જશે) થશે જે આપણા ભારત દેશ માટે અને ઇસરો માટે સોનેરી સફળતા બની રહેશે.

આ મિશન ભારતનાં ભાવિ ચંદ્રયાન-૪, ગગનયાન, ભારતીય અંતરિક્ષ સ્ટેશન, સમાનવ ચંદ્રયાન વગેરે મિશન્સ માટે બહુ ઉપયોગી અને માર્ગદર્શકરૂપ બની રહેશે.ગઇકાલે ૩૦, ડિસેમ્બરે સ્પેડેક્સ સફળ રીતે લોન્ચ થયું ત્યારબાદ ઇસરોના મુખ્ય મથકમાં સાથી વિજ્ઞાનીઓ સાથે વાતચીત કરતાં ઇસરોના ચેરમેન શ્રીધર પન્નીકર સોમનાથે ખુશી વ્યક્ત કરતાં આવી માહિતી આપી હતી.

એસ.સોમનાથે એવી માહિતી પણ આપી હતી કે રોકેટ બંને સેટેલાઇટ્‌સને લઇને ઉડયું તેની બરાબર ૧૫ મિનિટ બાદ બંને સેટેલાઇટ્‌સ પૃથ્વીની નીચેની ૪૭૫ કિલોમીટરની સર્ક્યુલર ઓર્બિટ(ગોળાકાર ભ્રમણકક્ષા)માં સલામતી સાથે પહોંચી ગયા છે. સ્પેડેક્સ મિશનના ડાયરેક્ટર એમ.જયકુમારે મહત્વની માહિતી આપતાં કહ્યું હતું કે બંને સેટેલાઇટ્‌સની સોલાર પેનલ્સ સફળતાપૂર્વક ખુલી ગઇ છે.

એસડીએક્સ૦૧-ચેઝર- અને એસડીએક્સ૦૨ – ટાર્ગેટ-એમ બંને સેટેલાઇટ્‌સ એકબીજાંની આગળ પાછળ પ્રવાસ કરી રહ્યા છે. બંને સેટેલાઇટ્‌સ વચ્ચેનું અંતર તબક્કાવાર વધીને ૨૦ કિલોમીટરનું થઇ જશે. ત્યારબાદ બંને સેટેલાઇટ્‌સ એકબીજાની નજીક આવવાની પડકારરૂપ પ્રક્રિયા શરૂ થશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.