સરયુ નદીના કાંઠે 21 લાખ દીવડાનો વર્લ્ડ રેકોર્ડ સર્જાશે
(એજન્સી)અયોધ્યા, અયોધ્યામાં તૈયાર થઈ રહેલા રામ મંદિરના લોકાર્પણને આડે હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ભગવાન રામની આ નગરીમાં આ વખતે દિવાળીની રોનક સૌથી અલગ હશે.
સરયુ નદીના ઘાટ પર લાખોની સંખ્યામાં દીવડાનો નવો વિશ્વવિક્રમ રચાશે. આ માટે ૨૫ હજાર સ્વયંસેવકો કામે લાગ્યા છે. સમગ્ર અયોધ્યાને રોશનીથી શણગારવામાં આવી છે. અયોધ્યામાં દિપોત્સવની તૈયારીઓ ધૂમધામથી ચાલી રહી છે. દિવાળી અને અયોધ્યા એકબીજાનો પર્યાય છે…ત્રેતા યુગમાં લંકા પર વિજય મેળવીને ભગવાન રામ અયોધ્યા પરત ફર્યા, ત્યારે અયોધ્યાવાસીઓએ દીપક પ્રજવલિત કરીને તેમનું સ્વાગત કર્યું હતું. અયોધ્યાનો ઉજાસ સમય જતાં દિવાળી રૂપે દુનિયાભરમાં ફેલાયો.
છેલ્લા ૬ વર્ષથી ઉત્તર પ્રદેશ સરકાર અયોધ્યામાં દીપોત્સવની ઉજવણી કરે છે. આ વર્ષે સાતમો દીપોત્સવ સૌથી ખાસ હશે. ૨૦૨૨માં દિવાળી પર અયોધ્યામાં ૧૫ લાખ ૭૬ હજાર દિવા પ્રજવલિત કરાયા હતા. ત્યારે આ વર્ષે સરયુ નદીના ૫૧ ઘાટ પર એક સાથે ૨૧ લાખ દીવડા પ્રજવલિત કરવાનો નવો રેકોર્ડ સ્થાપિત થશે. એક સમયે એક સાથે ૨૧ લાખ દિવા પ્રજવલિત જાેઈ શકાય તે માટે કુલ ૨૪ લાખ દીવા પ્રજવલિત કરાશે.