Western Times News

Gujarati News

વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા ગટગટાવી જનાર સડલાના યુવાને દમ તોડયો

સુરેન્દ્રનગર, મુળી તાલુકાના સડલાના યુવકે પાંચ દિવસ પહેલા ત્રણ વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યાે હતો. જ્યાં સારવાર દરમિયાન યુવકે હોસ્પિટલમાં દમ તોડયો હતો. યુવકના મોતથી પરિવાર પર આભ તુટી પડયું હતું. પરિવારે દોષિત સામે કડક કાર્યવાહીની માગ કરી હતી.

આ અંગે પોલીસને જાણ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.મુળીના સડલા ગામે રહેતા યુવક મહેશ રણછોડભાઈ કાનેટીયા (પટેલ,ઉ.વ.૩૨)એ બેથી ત્રણ મહિના પહેલા ગામમાં જ રહેતા પ્રતિક ઉર્ફે ગની ઘનશ્યામભાઈ, પ્રભુભાઈ નાનજીભાઈ અને દિનેશભાઈ ગણેશભાઈ પટેલ પાસેથી અલગ-અલગ રકમ મળી કુલ રૂ.૫૦ હજાર બે થી ત્રણ ટકાના વ્યાજે લીધા હતા.

જે રકમ પેટે યુવકે મુળ મુદ્દલ અને વ્યાજ સહિત અંદાજે રૂ.૭૦ હજારથી વધુ ચુકવી દીધી હતી તેમ છતાંય ત્રણેય શખ્સો એકસંપ થઈ વધુ રૂપિયાની માંગ કરી યુવકને હેરાન પરેશાન કરી પઠાણી ઉઘરાણી કરતા હતા.

ગત ૫મી ફેબુÙઆરીએ મહેશ કાનેટીયા કુંતલપુર ગામની સીમમાં આવેલ મામાની વાડીની ઓરડીમાં હાજર હતો તે દરમ્યાન ત્રણેય વ્યાજખોર શખ્સોએ આવી પઠાણી ઉધરાણી કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આથી યુવકે કંટાળી ઓરડીમાં રહેલ ઝેરી દવાની બોટલ પી આત્મહત્યાનો પ્રયાસ કર્યાે હતો.

જ્યારે ભોગ બનનાર યુવકને સારવાર અર્થે સુરેન્દ્રનગરની હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને ભોગ બનનાર યુવકે તે સમયે ત્રણેય વ્યાજખોરો સામે મુળી પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાવી હતી ત્યારે પાંચ દિવસની સારવાર દરમ્યાન યુવકનું મોત નીપજતા પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી અને ફરિયાદમાં નોંધાયેલ ત્રણેય વ્યાજખોર શખ્સોને ઝડપી પાડી કડક સજા આપવામાં આવે તેવી માંગ કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરીનું દુષણ નાબુદ કરવા છેલ્લા ઘણા સમયથી પોલીસ વિભાગ દ્વારા લોકદરબારનું આયોજન કરવામાં આવે છે પરંતુ તેમ છતાંય વ્યાજખોરીના બનાવો બનતા રહે છે ત્યારે જીલ્લામાં વધુ એક યુવકને વ્યાજખોરોના ત્રાસથી જીવ ગુમાવવાનો વારો આવ્યો છે ત્યારે પોલીસ તંત્ર વ્યાજખોરો સામે કેવી અને ક્યારે કાર્યવાહી કરે છે તેના પર સૌની મીટ મંડાઈ છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.