ઓનલાઇન ગેમમાં પૈસા હારી જતા ઠપકાની બીકે યુવકે પડતું મૂક્યું

અમદાવાદ, વીએસ હોસ્પિટલ પાસે આવેલા મહેતા કોમ્પલેક્સના પાંચમા માળેથી એક યુવક પટકાયો હતો. ત્યાં હાજર લોકો તાત્કાલિક તેને સારવાર માટે લઇ ગયા હતા.
જ્યાં ટૂંકી સારવાર બાદ ફરજ પરના ડોક્ટરોએ યુવકને મૃત જાહેર કર્યાે હતો. આ મામલે એલિસબ્રિજ પોલીસને જાણ કરાતા પોલીસે અકસ્માત મોત નોંધી યુવકના પિતાની પૂછપરછ કરી હતી. જેમાં સામે આવ્યું કે યુવક ઓનલાઇન ગેમ રમતો હોવાથી પૈસા હારી જતા ઠપકાની બીકે આ પગલું ભર્યું હતું. ઓઢવની ગાયત્રીપાર્ક સોસાયટીમાં રહેતો ૧૯ વર્ષીય સમર્થ ભોળે એલજે કોલેજમાં અભ્યાસ કરતો હતો.
ગત શનિવારે સમર્થ વીએસ હોસ્પિટલ પાસેના મહેતા કોમ્પલેક્સના પાંચમા માળેથી પડી ગયો હોવાની પોલીસને વર્ધી મળી હતી. સમર્થને લોકોએ સિવિલમાં સારવાર માટે ખસેડ્યો હતો. જ્યાં એલિસબ્રિજ પોલીસ પહોંચી ત્યારે સમર્થના પિતા સુવાસભાઇ ભોળે મળી આવ્યા હતા.
તેમની પૂછપરછ કરતા તેમણે જણાવ્યું કે ઘટનાના દિવસે તેમના એકાઉન્ટમાંથી ધીરે ધીરે રૂ. ૩૬,૫૦૦ ઉપડ્યા હોવાનો મેસેજ આવ્યો હતો. જેથી તેમણે સમર્થને જાણ કરતા તેણે થોડીવારમાં ફોન કરું તેમ કહીને ફોન મૂકી દીધો હતો.
સમર્થની સારવાર ચાલી રહી હતી તે દરમિયાનમાં ગત રવિવારે ડોક્ટરોએ મૃત જાહેર કર્યાે હતો. પોલીસે સમર્થના પિતાની પૂછપરછ કરતા સામે આવ્યું કે તે ઓનલાઇન ગેમ રમતો હોવાથી પૈસા હારી જતા ઠપકાની બીકે પગલું ભર્યું હોઇ શકે છે. એલિસબ્રિજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.SS1MS