સાબુદાણાની ખીચડી વેચતા યુવકે CAની પરીક્ષા પાસ કરી
જૂન-૨૦૨૨ CA ફાઉન્ડેશનનું પરિણામ જાહેર
અમદાવાદ બ્રાન્ચમાંથી કોચિંગ મેળવેલા કુલ ૨૭ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી ૮ વિદ્યાર્થીઓ પાસ થયા છે
અમદાવાદ, પરિસ્થતિ કોઇ પણ હોય, પણ જાે બેલેન્સ બનાવીને મન દઇને તમે મહેનત કરશો તો સફળતા ચોક્કસ મળશે. આ શબ્દો છે સીએ ફાઉન્ડેશનની પરીક્ષા પાસ કરનાર અમદાવાદના વિદ્યાર્થી પ્યારેલાલ પ્રજાપતિ. જૂન-૨૦૨૨ CA ફાઉન્ડેશનનું પરિણામ જાહેર થયુ જેમાં અમદાવાદ ચેપ્ટરમાં ૨૩૬૦ વિદ્યાર્થીઓમાંથી ૭૦૪ વિદ્યાર્થીઓ પાસ થયા જેમાનો એક છે પ્યારેલાલ પ્રજાપતિ. પ્યારેલાલ વિશે વાત કરવી એટલે ખાસ છે કારણ કે તેઓએ પોતાના ઘરની આર્થિક સ્થિતિ સાથે તાલ મિલાવીને આજે આ સફળતા હાંસિલ કરી છે.
પ્યારેલાલ ભણવાની સાથે સાથે સાબુદાણાની ખીચડી વેચે છે. પ્યારેલાલના પિતા ભુયંગદેવ વિસ્તારમાં સાબુદાણાની ખીચડી વેચીને પરિવારનું ગુજરાન ચલાવે છે. વળી અત્યારે શ્રાવણ માસ હોવાથી ઘરાકી પણ વધારે રહે. જાે કે તેમ છતાં પણ પ્યારેલાલ ભણવાની સાથે સાથે રેકડી પર જઇને પિતાની મદદ કરતો હતો. ૨૧૬ માર્કસ સાથે તેણે આ પરીક્ષા પાસ કરી છે. પોતાની સફળતા વિશે જણાવ્યું કે તમે દિવસ દરમિયાન એક ટાર્ગેટ નક્કી કરો કે આટલુ તો હું આજે કંમ્પ્લિટ કરીશ જ.
તે ટાર્ગેટને ફોલો કરો. રોજે આ પ્રકારે તમારો ટાર્ગેટ સેટ કરીને સ્ટડી કરો. હું દિવસના ૧૦ કલાકથી લઇને ૧૩ કલાક સુધી સ્ટડી કરતો હતો. મારુ પરિણામ જાેઇને હું ખુદ રડીપડ્યો હતો. મે મહેનત કરી, તથા ફેમિલી અને શિક્ષકોના સપોર્ટને કારણે આ સફળતા મળી જેનાથી હું ખૂબ જ ખુશી અનુભવુ છું. મેં મારા માતા પિતાને કામ કરતા જાેયા છે જાે તેઓ આટલી મહેનત કરી શકે મારા માટે તો હું કેમ નહી ? આવુ સેલ્ફ મોટિવેશન કેળવીને હું આ મુકામ સુધી પહોચ્યો છું.
મહત્વનું છે કે ૧૦ જૂનના રોજ ધી ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયા દ્વારા જૂન ૨૦૨૨માં લેવાયેલી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ફાઉન્ડેશનની પરીક્ષાના પરિણામો આજે જાહેર કરવામાં આવ્યા હતાં. જેમાં અમદાવાદનું પરિણામ ૨૯.૮૩ ટકા આવ્યું. ધી ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયાની અમદાવાદ બ્રાન્ચમાંથી કોચિંગ મેળવેલા કુલ ૨૭ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી ૮ વિદ્યાર્થીઓ પાસ થયા છે. જેમાં મહોમ્મદરાહીલ શેખ, ધ્વની શાહ, હેમાક્ષી દુબે, નિષા જાેષી, પ્યારેલાલ પ્રજાપતિ, સ્મિત કથિરિયા, કૈફ અંસારી, ક્રિષ્ના અગ્રવાલનો સમાવેશ થાય છે.