USA ભણવા ગયેલા યુવકને પોતાના જ કઝીન દ્વારા ગુલામની જેમ ત્રાસ અપાતો
યુવાનને નજીકના રેસ્ટોરન્ટની કચરાપેટીમાંથી જે ખાવાનું મળે તે શોધીને ખાવું પડતું હતું
USમાં ભારતીય મૂળના છાત્રને ગુલામની જેમ ત્રાસ અપાતો હતો
મિસોરી, અમેરિકામાં ભણવા ગયેલા એક ભારતીય મૂળના વિદ્યાર્થી સાથે એવી ઘટના બની છે કે સગાસંબંધીઓ અને માનવતા પરથી ભરોસો જ ઉઠી જાય. ભારતીય મૂળના ૨૦ વર્ષીય સ્ટુડન્ટને મહિનાઓથી ગુલામની જેમ રાખવામાં આવ્યો હતો અને બાથરૂમની સુવિધા પણ અપાતી ન હતી. એટલું જ નહીં તેને દરરોજ ઢોરમાર મારવામાં આવતો હતો અને ખાવાનું અપાતું ન હતું.
આ બધો અત્યાચાર તેના સગાઓ દ્વારા કરવામાં આવ્યો હતો. ત્યાર પછી પોલીસને આ બનાવની જાણ થઈ અને સ્ટુડન્ટને છોડાવવામાં આવ્યો છે. અમેરિકાના મિસોરી સ્ટેટમાં આ ઘટના બની છે. અમેરિકન પોલીસે આ ઘટનાને અમાનવીય ગણાવી છે. નવાઈની વાત એ છે કે યુવાન સાથે આવો વ્યવહાર તેના કઝિન દ્વારા જ કરવામાં આવ્યો હતો. તેને સતત ફટકારવામાં આવતો હતો, બાથરૂમની સુવિધા નહોતી અપાઈ અને ત્રણ મકાનોમાં આખો દિવસ ગુલામની જેમ કામ કરાવવામાં આવતું હતું. આ યુવાનના કઝિનની સાથે બીજા બે લોકો પણ આ ગુનામાં સામેલ છે.
મિસોરીના સેન્ટ ચાર્લ્સ કાઉન્ટીમાં હાઈવે પર આવેલા એક મકાનમાં પોલીસે દરોડો પાડ્યો હતો અને વીસ વર્ષીય યુવાનને નર્કાગાર જેવી સ્થિતિમાંથી છોડાવ્યો હતો. તેની આવી હાલત કરવા બદલ તેના સ્વજનો વેંકટેશ સત્તારુ, શ્રવણ વર્મા અને નિખિલ વર્માને પકડવામાં આવ્યા છે. તેમની સામે હ્યુમન ટ્રાફિકિંગ, અપહરણ અને હુમલો કરવાના આરોપો લાગ્યા છે.
આ પરિવારની પડોશમાં રહેતી એક વ્યક્તિને અહીં કંઈક ગરબડ હોવાની શંકા ગયા પછી તેણે ૯૧૧ પર પોલીસને જાણ કરી હતી. ત્યાર પછી પોલીસે આવીને રેડ પાડી હતી અને યુવાનને બચાવી લીધો હતો. ભારતીય યુવાનને હવે એક હોસ્પિટલમાં સારવાર અપાઈ છે. તેને મલ્ટિપલ બોન ફ્રેક્ચર થયા છે તથા આખા શરીર પર ઈજાઓ જાવા મળે છે.પોલીસે આ યુવાનના કઝિન પર આરોપ ઘડ્યા છે જે મુજબ તેમણે ભારતીય સ્ટુડન્ટને બેઝમેન્ટમાં લોક કરી રાખ્યો હતો,
વ્યવસ્થિત ફ્લોર ન હોય તેવી ઠંડી જગ્યામાં સુવાની ફરજ પાડી હતી અને બાથરૂમની સગવડ પણ આપી ન હતી. યુવાને નજીકના રેસ્ટોરન્ટની કચરાપેટીમાંથી જે ખાવાનું મળે તે શોધીને ખાવું પડતું હતું તથા તેને ઈલેક્ટ્રિક વાયર, પીવીસી પાઈપ, લોખંડના સળિયા, લાકડાના પાટીયા, લાકડીઓ અને વોશિંગ મશીનના પાઈપથી ફટકારવામાં આવતો હતો. આ વિશે પોલીસ ઓફિસરે જણાવ્યું કે એક માનવી દ્વારા બીજા માનવી સાથે આવો વર્તાવ કરવામાં આવે તે યોગ્ય ન કહેવાય.
ત્રણેય આરોપીઓ પર પીડીતને મારવાનો અને અમાનવીય સ્થિતિમાં રાખવાનો આરોપ છે. ૩૫ વર્ષીય વેંકટેશ સત્તારુ આ કેસમાં મુખ્ય આરોપી છે જેની સામે માનવ તસ્કરી અને વેઠ કરાવવાનો આરોપ મુકવામાં આવ્યો છે. આ ઉપરાંત તેણે ભારતથી યુવાનને અમેરિકા લાવવા માટે ડોક્યુમેન્ટમાં પણ ચેડા કર્યા હતા. પોલીસે જણાવ્યા પ્રમાણે ભારતીય યુવાન ગયા વર્ષે જ અમેરિકા આવ્યો હતો અને એક કોલેજમાં સાયન્સ એન્ડ ટેક્નોલોજીનો અભ્યાસ કરવાનો હતો. પરંતુ તે પોતાના કઝિનના ઘરે ગયો ત્યાર પછી તેની સાથે ભયંકર વ્યવહાર કરવામાં આવ્યો હતો.