સુરતના યુવકનું રાજકોટના બે યુવકોએ કર્યું અપહરણ
પૈસાની લેતી-દેતી મામલે રાજકોટના બે ઇસમોએ પ્રતીકનું અપહરણ કર્યું હતુંઃ વરાછા પોલીસે ગુનાનો ભેદ ઉકેલ્યો
સુરત, ધોળા દિવસે સુરતમાંથી બે ઈસમોએ કારમાં પ્રતિક નામના એક યુવકનું અપહરણ કર્યું હતું. આ મામલે સુરતની વરાછા પોલીસે સમગ્ર મામલે સીસીટીવી ફૂટેજના આધારે ગુનાનો ભેદ ઉકેલ કાઢ્યો હતો અને પ્રતિકનું અપહરણ કરનાર બે ઇસમોને વાસદ ચોકડી પાસેથી ઝડપી પાડ્યા હતા. પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે, પૈસાની લેતી-દેતી મામલે રાજકોટના બે ઇસમોએ પ્રતીકનું અપહરણ કર્યું હતું.
સુરતમાં રહેતા અને યશ બેન્કમાં નોકરી કરતા પ્રતિક પરષોતમભાઇ પાઘડાળ નામના યુવકે બે વર્ષ પહેલા પોતાની નોકરી છોડીને અમદાવાદમાં જઈને સંબંધી અને પરિચિતો પાસેથી પૈસા લઈ મરી મસાલાનો ઈમ્પોર્ટ-એક્ષ્પોર્ટનો વેપાર ચાલુ કર્યો હતો. પણ કામનસીબે આ ધંધો નહીં ચાલતા તે મુશ્કેલીમાં મુકાઈ ગયો હતો. તેથી યુવક તમામના પૈસા ચૂકવ્યા વિના સુરત પરત આવી ગયો હતો. ત્યારબાદ યુવકે સુરતમાં આવીને તેના મિત્રોની સાથે મળી નવો ધંધો શરૂ કરવા મથામણ કરી રહ્યો હતો.
મહત્ત્વની વાત છે કે, અગાઉ સુરતમાં રત્નકલાકાર તરીકે કામ કરતા અને હાલ ભાવનગરના ઉમરાળાના ઓજવદરમાં રહેતા તેમજ ખેતીકામ કરતા મિત્ર લાલજી બગદારીયાને સુરત બોલાવ્યો હતો. પ્રતિક ગત સવારે લાલજી અને અન્ય એક મિત્ર દિનેશ મકવાણા સાથે મિત્ર જૂપીન ધડૂકની વરાછા તાપ્તી ગંગા આર્કેડમાં આવેલી કાપડની દુકાને ગયો હતો.
ત્યારબાદ પ્રતિક તેના અન્ય મિત્ર કિશન વીરડીયા આવતા મિત્રોની સાથે નાસ્તો કરવા ગયો હતો. તે સમયે પ્રતિકને કોઈક ઇસમનો ફોન આવતા પ્રતિક બહાર વાત કરવા માટે ગયો હતો. પ્રતિક જ્યારે મોબાઈલમાં વાત કરી રહ્યો હતો તે સમયે બે ઈસમોએ કારમાં પ્રતિકનું અપહરણ કર્યું હતું.
ત્યારબાદ સિક્યુરિટી ગાર્ડે પ્રતિકના મિત્રોને કહ્યું કે, પ્રતિકને બે જણા લઈ જાય છે. તેથી તમામ લોકો પ્રતિકને બચાવવા દોડ્યા હતા તેવામાં તમામ મિત્રોએ બહાર જઈ જાેયું તો મોઢા પર રૂમાલ બાંધીને બે યુવાન તેને બળજબરીથી કારમાં બેસાડીને લઈ ગયા હતા. આ ઘટનાને લઈને લાલજીએ કારનો નંબર નોંધી આ અંગે પોલીસ કંટ્રોલ રૂમને ફોન કરતા વરાછા પોલીસ હરકતમાં આવી હતી.
અપહરણની ઘટનાને લઈને વરાછા પોલીસે કારના નંબર તેમજ ટોલનાકાના સીસીટીવી ફૂટેજના આધારે કાર અમદાવાદ તરફ જતી નજરે ચઢતા વડોદરા અને અમદાવાદ પોલીસને જાણ કરી હતી.
પોલીસે વાસદ ચોકડી પાસે કારને આંતરી પ્રતિકને મુક્ત કરાવી લીધો હતો. ત્યારબાદ પ્રતિકનું અપહરણ કરનાર બે ઇસમની ધરપકડ કરી હતી. પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે, રાજકોટના બે યુવાન જય હસમુખભાઈ પટેલ અને હિરેન રણછોડભાઈ પટેલે પ્રતિકનું પૈસાની લેતીદેતીમાં અપહરણ કર્યું હતું.
પોલીસની પૂછપરછમાં આરોપીઓએ કબુલાત કરી હતી કે, તેને પ્રતિકને ધંધો કરવા માટે પૈસા આપ્યા હતા પરંતુ ધંધામાં ખોટ જતા પ્રતિકે પૈસા પરત આપ્યા ન હતા અને તે અલગ અલગ વાયદાઓ આપતો હતો અને અંતે પૈસાની ચુકવણી ન થતા તેને પૈસા મેળવવા માટે પ્રતિકનું અપહરણ કર્યું હતું.