ધોળા દિવસે જાહેરમાં એક યુવકની કરપીણ હત્યા કરાઇ
(એજન્સી)સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગર શહેરમાં અવારનવાર હત્યાના બનાવો બનતા હોય છે. ત્યારે વધુ એક આવી ઘટના સામે આવી છે. ધોળા દિવસે આ બનાવ બનતા શહેરમાં સંપૂર્ણપણે કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સાવ કથળી ગઈ હોય તેવું લાગી રહ્યું છે.
જાણે શહેરીજનોને કોઈ ગુનો કરતાં પહેલાં કાયદો-વ્યવસ્થાનો ડર જ નથી. આ ઘટનામાં જાહેરમાં હત્યા કરવામાં આવી છે. પ્રેમ સંબંધમાં મનદુખ રાખી યુવકને જાહેરમાં છરીના ઘા ઝીંકી પતાવી દેવામાં આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે, સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ પાસે ધોળા દિવસે જાહેરમાં એક યુવકની હત્યા કરવામાં આવી છે.
તેટલું જ નહીં, આ હત્યાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. બસ સ્ટેન્ડ પાસે જાહેરમાં છરીના ઉપરાછાપરી ઘા ઝીંકી યુવકને પતાવી દેવામાં આવ્યો છે. વીડિયોમાં જાેઈ શકાય છે કે, યુવકને માર મારવામાં આવી રહ્યો છે. બે મહિલાઓ તેને બચાવવાના પ્રયત્ન કરી રહી છે.
પરંતુ તે છતાં આરોપીઓ યુવકે માર મારી રહ્યા છે. આ ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં પ્રેમ સંબંધમાં મનદુખ બાબતે બોલાચાલી બાદ ઉશ્કેરાયેલા પાંચ શખ્સોએ છરી અને ધોકા વડે હુમલો કર્યો હતો.
બે દિવસ પહેલાં આ હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં તાહિર યુસુફ શેખ નામના યુવકને પ્રેમ સંબંધના મનદુઃખમાં છરીના ઉપરાછાપરી ઘા ઝીંકી ધોળા દિવસે હત્યા કરી હતી.