પાર્કિંગમાં રમતા બાળકનો જીવ લેનાર યુવકને ૧૫ મહિના કેદની સજા ફટકારાઈ
અમદાવાદ, શહેરના રિવરફ્રન્ટ પર પાર્કિંગમાં રમતા બાળકને અકસ્માત કરી જીવ લેનાર યુવકને એડિશનલ ચીફ જ્યુડિશીયલ મેજિસ્ટ્રેટ સંદીપસિંહ જી. ડોડીયાએ ૧૫ મહિના કેદની સજા ફટકારી છે. આ ઉપરાંત યુવકનું લાઈસન્સ ૨ વર્ષ માટે સસ્પેન્ડ કરવા આદેશ કર્યો છે.
બીજી તરફ મૃતક બાળકના પરિવારને વળતર પેટે ૫ લાખ ચુકવવા નિર્દેષ આપ્યો છે. આરોપીને સજા ફટકારતા ચુકાદામાં કોર્ટે નોંધ્યું હતું કે, આવા કિસ્સા વધી રહ્યાં છે, આરોપી સામે કેસ નિઃશંક પણે પુરવાર થાય છે. આરોપીએ હાઇ સ્પીડ અને બેદરકારીને કારણે વાહન ચલાવાથી બાળકનું મોત થયું હોવાનું પુરવાર થાય છે છે ત્યારે આવા આરોપી સામે દયા ન દાખવી શકાય.
શહેરના નારોલ વિસ્તારમાં રહેતા જ્ઞાનેશ્વર માણીકરાવ ચીકરે ૨૨ મે ૨૦૨૨ના રોજ પોતાના અઢી વર્ષના દીકરા ધીરજને લઇ રીવરફ્રન્ટ ખાતે ગયા હતા. જ્યાં દીકરો રિવરફ્રન્ટના પાર્કિંગમાં રમતો હતો. ત્યારે એક કાર પુર ઝડપે આવી હતી અને દીકરાને અડફેટે લઇ જતી રહી હતી.
જેથી જ્ઞાનેશ્વર પોતાના દીકરા પાસે પહોંચ્યા હતા. ત્યારે તે મૃત્યુ પામ્યો હતો. આ મામલે તેમણે એમ ડિવીઝન ટ્રાફિક પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ સીસીટીવી ફૂટેજ તપાસી પોલીસે કાર હંકારનાર ૨૨ વર્ષિય પાશ્વ શૈલેષભાઇ પટેલને ઝડપી લીધો હતો.
ત્યારબાદ તેની સામે ચાર્જશીટ કરતા કેસ મેટ્રોકોર્ટમાં ચાલવા પર આવ્યો હતો. જેમાં સરકારી વકીલ કે.એસ.ચૌધરીએ પુરતા સાક્ષી તપાસી અને દસ્તાવેજી પુરાવા રજૂ કરતા કોર્ટને જણાવ્યું હતું કે, આવા કિસ્સા વધી રહ્યાં છે, બેફામ કાર હંકારી અકસ્માત થતા નિર્દોષ લોકોના મોત થઇ રહ્યાં છે, આરોપી સામે ગુનો પુરવાર થાય છે, ત્યારે સમાજમાં દાખલો બેસે અને આવા આરોપીઓમાં કાયદાનો ભય રહે તે હેતુને ધ્યાને રાખી આરોપીને કાયદામાં દર્શાવેલ પુરેપુરી સજા કરવી જોઇએ. જ્યારે આરોપી તરફે ઓછી સજા કરવા દલીલ કરી હતી.SS1MS