3.58 લાખ રોકડા તેમજ દસ્તાવેજ ભરેલું લોકર ઉઠાવનાર તસ્કર ઝડપાયો
આમોદના દોરા એક્ષપ્રેસ હાઈવે રેસ્ટ હાઉસની ધરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો
(પ્રતિનિધિ) ભરૂચ, આમોદના તાલુકાના દોરા ગામે દિલ્હી – મુંબઈ એક્સપ્રેસ વેના ર્પાકિંગ એરિયા પાસેના મકાનમાં રહેતાં અને અને હાઈવે પર આવેલાં ઢાબાના મેનેજરના ઘરમાં અજાણ્યા તસ્કરો ત્રાટક્યા હતા.
જે તસ્કરોએ તેના રૂમમાંથી ૩.૫૮ લાખ રોકડા તેમજ અન્ય દસ્તાવેજ ભરેલું આખેઆખુ લોકર ઉઠાવી ગયા હતા. જેની આમોદ પોલીસ મથકે ૨૬ નવેમ્બરના રોજ નોંધાયેલી ફરિયાદના અનુસંધાનમાં નાયબ પોલીસ અધિક્ષક પી.એલ.ચૌધરીના માર્ગદર્શન અને સૂચના મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર આર.વી. કરમટીયાએ ગણતરીના કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો.
જેમાં આમોદ પોલીસ દ્વારા દોરા,દાંડા,તેલોદ,ઈખર, માતર, અને ઓચ્છણ ગામના શંકાસ્પદ વ્યક્તિઓને તાત્કાલિક પકડી ભરૂચ જિલ્લા પોલીસના ‘સિલ્કી ડોગ’ને બનાવના સ્થળે સ્મેલ અપાવી શંકાસ્પદ માણસોને લાઈનમાં ઉભા રાખતા ‘સિલ્કી ડોગે’ બનાવના સ્થળની સ્મેલથી લાઈનમાં ઊભા રાખેલ વ્યક્તિઓ માથી ચિરાગ દિનેશ વાળંદની સ્મેલ મેચ થતા
ભરૂચ જિલ્લાની ડોગ સ્કોવડ, એફ.એસ.એલ. ટીમ, ફિંગર પ્રિન્ટ એક્સપર્ટ સુરતની મદદ મેળવી ‘સિલ્કી ડોગે’ પકડી પાડેલ ચિરાગ વાળંદની સઘન પૂછપરછ કરતાં આરોપી ચિરાગ વાળંદને ચોરીની કબૂલાત કરી લીધી હતી.પોલીસે ચોરી કરેલ રકમ ૩,૫૮,૭૪૬ તેમજ કાળા કલરની બેગ, હિસાબની ડાયરી, કપડા, ક્રેડિટ કાર્ડ તમામ મુદ્દામાલ તેલોદ ગામની સીમની કેનલ પાસેથી મેળવી ચિરાગ વાળંદ રહે.દોરા,તાલુકો આમોદને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.