આમોદના નાહિયેર ગામે ગૌચરની જમીનમાં ખોદકામ થતાં કલેક્ટરને રજૂઆત
આમોદ મામલતદારે તાલુકા વિકાસ અધિકારીને ત્વરિત કાર્યવાહી કરવાં આદેશ કર્યો
(પ્રતિનિધિ) ભરૂચ, આમોદ તાલુકાના નાહિયેર ગામની સીમમાં ગૌચરની જમીનમાં છેલ્લા ઘણા સમયથી હિટાચી મશીન વડે ગેરકાયદેસર ખોદકામ થતાં જાગૃત નાગરિકે ભરૂચ કલેકટર,આમોદ મામલતદાર તથા તાલુકા વિકાસ અધિકારીને લેખીત ફરીયાદ કરતાં આમોદ મામલતદારે ત્વરિત કાર્યવાહી કરવાનો આદેશ આપતા ગેરકાયદેસર ગૌચરની જમીન ખોદકામ કરતા તત્વોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.
ત્યારે આમોદ વહિવટી તંત્ર ગેરકાયદસર રીતે ખોદકામ કરતા તત્ત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરે તેમજ મશીનરી જપ્ત કરે તેવી લોક માંગ ઉઠવા પામી છે.નાહિયેર ગામે આવેલી સર્વે નંબર ૧૭૫,૩૦૮ તથા ૩૧૯ ની જમીનમા ગેરકાયદેસર ખોદકામ થતું હોય નાહિયેર ગામના સંયુક્ત લોકોની અરજીને આધારે આમોદ મામલતદારે તાલુકા વિકાસ અધિકારી આમોદને ત્વરિત કાર્યવાહી કરી ઘટતી કાર્યવાહી કરવાં જણાવ્યું હતું.જેથી ગેરકાયદેસરના ગૌચરની જમીનમા ખોદકામ કરતાં તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
આ બાબતે ગામના જાગૃત નાગરીક હરિરામ સુરેશ પટેલે જણાવ્યુ હતું કે એક અઠવાડિયાથી નાહિયેર ગામની ગૌચરની જમીનમાં ખોદકામ ચાલી રહયું છે ગામની ગૌચરની જમીનમાં ખોદકામ થતું હોવા છતાં કોઈ અટકાવવા તૈયાર નથી.
કોઈ જવાબદાર પદાધિકારી સંતોષકારક જવાબ આપતા નથી.જેથી અમોએ જીલ્લા કલેક્ટર,આમોદ મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારીને લેખીત ફરીયાદ કરી છે. ત્યારે અધિકારીઓ તરફથી અમોને ત્વરિત કાર્યવાહી કરવાની તૈયારી બતાવી છે.