ભરૂચ કલેકટર કચેરી ખાતે આંગણવાડી બહેનોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા આંગણવાડી કાર્યકર બહેનોની વેતન વધારા સહિત અન્ય પડતર માંગણીઓના મુદ્દે જિલ્લા કલેકટર કચેરી ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
છેલ્લા કેટલાક દિવસોથી આંગણવાડી બહેનો તેમના વેતન વધારા સહિત લાંબા સમય થી પડતર અન્ય માંગણીઓને લઈને આંદોલન કરી રહેલ હોય ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના પ્રમુખ રાગિણીબેન પરમારની આગેવાની હેઠળ આંગણ વાડી કાર્યકર બહેનો ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે એકત્રિત થઈ ભારે સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી સમગ્ર સંકુલ ગજવી મુક્યું હતું.આંગણવાડી કાર્યકર બહેનો અને હેલ્પર બહેનો દ્વારા મુખ્યમંત્રી ને સબોધેલ આવેદનપત્ર જિલ્લા કલેકટર ને પાઠવી રજુઆત કરી હતી.
આવેદનપત્રમા જણાવ્યું હતું કે ગુજરાતનાં ૧ લાખ જેટલી આંગણવાડી વર્કર- હેલ્પર બહેનો ગુજરાત સરકારની યોજનાઓને ગ્રામ્ય સ્તર સુધી અમલમાં મુકવા માટે સતત કામગીરી બજાવે છે અને છેલ્લા ત્રણ ચાર માસમાં મુખ્યમંત્રી શ્રી માતૃત્વ યોજના, યોજનાની કામગીરી દિવસ રાત જાેયા વિના રજાઓ ભોગવ્યા વિના લાંબા સમયથી કામગીરી કરેલ છે.
અન્ય કર્મચારીઓનાં પડતર પ્રશ્નોનો ઉકેલ રાજય સરકાર લાવી રહી છે.ત્યારે મહિલા અને બાળ વિકાસ વિભાગ તને કામ કરતી બહેનોના લાંબા સમયથી પડતર પ્રશ્નોનો ઉકેલ લાવવામાં આવતો નથી.સરકારી નોકરીયાતને મળતા લઘુતમ વેતન આંગણવાડી કાર્યકરોને આપવામાં આવે
તે ઉપરાંત ૨૦૧૯ માં આપેલ મોબાઈલ– ચાલતા જ ન હોઈ સારી કંપનીના મોબાઈલ આપવામાં આવે,તમામ રાજયોમાં નિવૃતિ વય મર્યાદા ૬૦ છે.ગુજરાતમાં પણ ૬૦ કરવામાં આવે,સુપ્રીમ કોર્ટનાં ચુકાદા મુજબ ગ્રેચ્યુઈટીની રકમ તાકીદે ચૂકવવામાં આવે તથા પેન્શન – પ્રો.ફંડ યોજના લાગુ કરાઈ જેવી વિવિધ માંગણીઓ અંગે રજૂઆત કરવામાં આવી છે.