AAPના ગોપાલ ઈટાલીયા પર ૧૭ કેસ નોંધાયેલા છે

ગોપાલ ઇટાલિયાની સંપત્તિ જાહેર, પ્રોપર્ટીના નામ પર માત્ર રૂ.૫ લાખ
(એજન્સી)અમદાવાદ, આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રમુખ ગોપાલ ઇટાલિયા આ વખત સુરતની કતારગામ સીટ પરથી વિધાનસભાની ચૂંટણી લડી રહ્યા છે. આમ આદમીના ઉમેદવારની એફિડેવિટ સામે આવી છે.
તેમણે ચૂંટણી આયોગને જે જાણકારી આપી છે, તે મુજબ તેમની પાસે પ્રોપર્ટીના નામ પર માત્ર ૫ લાખ રૂપિયા છે, તો તેમની વિરુદ્ધ અપશબ્દ બોલવા, હવાઇ ફાયરિંગ કરવા જેવા લગભગ ૧૭ કેસ નોંધાયેલા છે. ગોપાલ ઇટાલિયાએ શુક્રવારે જ નામાંકન કર્યું હતું.
ગોપાલ ઇટાલિયા સિવાય આમ આદમી પાર્ટીના મહામંત્રી મનોજ સોરઠિયા પણ સુરતની કરંજ સીટ પરથી ચૂંટણી મેદાનમાં ઉતરી રહ્યા છે. એ સિવાય આમ આદમી પાર્ટીએ વરાછા અને ઓલપાડ સીટ પરથી પાટીદાર અનામત આંદોલનના મોટા ચહેરા રહેલા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવીયને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. સુરતમાં આમ આદમી પાર્ટીએ પોતાના ચાર મોટા ચહેરાઓને મેદાનમાં ઉતારીને ગુજરાતની રાજનીતિ ગરમાવી દીધી છે. સુરતમાં વિધાનસભા ચૂંટણી પાટીદારો આસપાસ નજરે પડશે.
ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રમુખ ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ હાલમાં જ હરિદ્વાર કોર્ટમાં કેસ દાખલ થયો હતો. તેમના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાને અપશબ્દ કહેવાનો આરોપ છે.
ગોપાલ ઇટાલિયાએ એક વીડિયો જાહેર કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસને નાટક બતાવ્યો હતો. ત્યારબાદ તેમને રાષ્ટ્રીય મહિલા આયોગે નોટિસ મોકલી હતી. દિલ્હીમાં મહિલા આયોગની ઓફિસમાં ઉપસ્થિત થયા બાદ પણ પોલીસે તેને કસ્ટડીમાં લઇ લીધો હતો.
સુરત શહેરની ૧૨માંથી ૭ સીટો પર પાટીદાર મતદાતા નિર્ણાયક ભૂમિકા ભજવે છે. તેમાં કામરેજ, વરાછા, કતારગામ અને ઓલપાડ વિધાનસભા ક્ષેત્રમાં પાટીદારોની બહુધા વસ્તી છે. કરંજ, સુરત ઉત્તર અને ઉધના વિધાનસભા ક્ષેત્રમાં પાટીદાર મતદાતા ગેમચેન્જર કહેવામાં આવે છે.
એવામાં આમ આદમી પાર્ટીએ રણનીતિ હેઠળ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાને સુરતની કતારગામ વિધાનસભા સીટ પરથી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. આમ આદમી પાર્ટીએ કરંજ સીટ પરથી મહામંત્રી મનોજ સોરઠિયાને ઉતાર્યા છે.
કતારગામ અને કરંજ સીટ વિધાનસભા વરાછા અને વરાછા અને ઓલપાડની નજીકના વિસ્તાર છે. આમ આદમી પાર્ટીને આશા છે કે આ સીટોનો સંદેશ આખા પ્રદેશના ચૂંટણી પરિણામોને પ્રભવિત કરી શકે છે. ગોપાલ ઇટાલિયા પાટીદાર સમાજમાંથી આવે છે.