AAP દ્વારા વીજળીના ધાંધિયા, રસ્તા ઉપર પડેલા ખાડાઓના ભ્રષ્ટાચાર બાબતે આવેદન
ઝઘડિયા પ્રાંત અધિકારીને સમસ્યાઓ બાબતે બે આવેદનપત્ર પાઠવવામાં આવ્યા
(પ્રતિનિધિ)ભરૂચ, ઝઘડિયા તાલુકામાં વિવિધ સમસ્યાઓને લઈ આજરોજ આમ આદમી પાર્ટી ઝઘડિયા દ્વારા તથા ફાધર ક્વાર્ટર્સના રહીશો દ્વારા રહેણાંકના મકાનો તથા રસ્તો બનાવી આપવા બાબતે પ્રાંત અધિકારી ઝઘડિયાને આવેદનપત્ર પાઠવ્યા છે.
આમ આદમી પાર્ટી દ્વારા પાઠવાયેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે દેશના વિકાસમાં ઝઘડિયા તાલુકાનું અમૂલ્ય ફાળો રહેલો છે.આજે પણ ઝઘડિયા તાલુકામાં ઔદ્યોગિક વસાહતો લિગ્નાઈટ પ્રોજેક્ટની ખાણો, રેતીની લીઝો, સિલિકા પ્લાન્ટો આવેલા છે.જેમાંથી સરકારને વાર્ષિક હજારો,કરોડોની આવક થાય છે છતાં સરકાર દ્વારા આ વિસ્તારના લોકો સાથે જાણે ભેદભાવ રાખવામાં આવતો હોય એવું તેમને લાગી રહ્યું છે,
આ વિસ્તારમાં રાજપારડી લીગ્નાઈટ પ્રોજેક્ટમાં ભૂતકાળમાં અનેક ગામો વિસ્થાપિત થઈને દેશના વિકાસમાં સહભાગી બન્યા છે,હાઈટેન્સન લાઈનોમાં જમીનો ગુમાવી છે.છતાં પણ ઘર વપરાશ અને ખેતીવાડી માટે પૂરતી વીજળી આપવામાં આવી નથી, વીજ કંપનીના કર્મચારીઓ પણ લોકોને યોગ્ય જવાબ આપતા નથી જેનું નિરાકરણ લાવવું જરૂરી બન્યું છે.
આ વિસ્તારને જિલ્લા મથક સાથે જોડતો અને યુવાનોને રોજગારી કે વિદ્યાર્થીઓને અભ્યાસ માટે એક માત્ર રસ્તો ઝઘડિયા રાજપારડી ઉમલ્લા થઈ રાજપીપળાથી સરદાર પ્રતિમા તરફ જાય છે.જે રસ્તો બનાવવા માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે અને દર વર્ષે રીપેરીંગ અને પ્રીમોનસુન કામગીરીના નામે કરોડ રૂપિયાના બીલો બને છે તેમ છતાં અધિકારીઓ નેતાઓને કોન્ટ્રાક્ટરોના પાપે લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે,
ભ્રષ્ટાચારના ઘૂંટણ સમા ખાડા પડી ગયેલ છે જેને તાત્કાલિક ધોરણે સમારકામ કરાવી આપવા અપીલ કરી છે, જો આ સમસ્યાનું યોગ્ય નિરાકરણ નહી આવે તો આંદોલનના માર્ગે ઉતરવું પડશે તેની ગંભીર નોંધ લેવા પણ જણાવ્યું છે.
આ ઉપરાંત ઝઘડિયા ફાધર ક્વાર્ટર્સના રહીશો દ્વારા આવેદનપત્રમાં જણાવ્યું છે કે તેઓ ફાધર ક્વાર્ટર્સના ઝઘડિયા સુલતાનપુરાના વતની છે અને તેઓ ૫૦ થી વધુ વર્ષોથી અહીં રહે છે.વારંવાર ઝઘડિયા પંચાયત તથા કલેકટરને અરજી દ્વારા અને રૂબરૂ મળી તેમની સમસ્યાની જાણ કરી છે છતાં તેમને કોઈ આજદિન સુધી તેમના રહેણાંકના મકાનો બનાવી આપવા તથા રસ્તા બનાવી આપવા માટે જવાબ મળેલ નથી,
જેથી તેમણે જણાવ્યું છે કે તેમના મકાનો નામે કરી આપવા અને આવવા જવા માટે રસ્તો બનાવી આપવા રજૂઆત કરી છે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે તેમને ત્યાં કોઈ બીમાર પડે કે ડિલિવરી જેવી બાબતોમાં કોઈ વાહન કે એમ્બ્યુલન્સ તેમના ફાધર ક્વાર્ટર્સ વિસ્તારમાં આવી શકે તેવો રસ્તો પણ નથી, આ બંને તેમની માંગણીઓ સ્વીકારવામાં આવે અને તેનું અમલીકરણ થાય તેવી માંગણી કરી છે.