આમ આદમી પાર્ટી કોનાં હાથમાં રમે છે?

ગુજરાત વિધાનસભાની વિસાવદર અને કડી વિધાનસભાની આગામી પેટા ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જામશે એ હવે નક્કી થઈ ગયું છે. કોંગ્રેસ પક્ષે એ બન્ને બેઠકો પર ઉમેદવારો ઉભા રાખવાની જાહેરાત કરી દીધી છે અને આમ આદમી પાર્ટીએ તો અગાઉ આ બેઠકો પર પોતાની ચૂંટણી લડવાની ઈચ્છા જાહેર કરી દીધી છે.
છેલ્લી ચૂંટણીમાં ત્રિપાંખિયા જંગ વખતે કોંગ્રેસની હારનું કારણ આમ આદમી પાર્ટીને મળેલા મતોની ટકાવારીનો સિંહફાળો રહ્યો હતો!આ જોતાં આમ આદમી પાર્ટી ગુજરાતમાં કોંગ્રેસ જીતે નહીં સત્તા હાંસલ ન કરે એ માટે પ્રયત્ન કરતી હોય એવું લાગે છે!
સવાલ એ છે કે આવું કેમ થાય છે? તેનો જવાબ રાજ્કીય વિશ્લેષકો એવો આપે છે છે કે આમ આદમી પાર્ટી કોકનો હાથો બની રહી છે.આ ખેલ પૈસા માટે થતો હશે કે અન્ય કોઈ કારણ હશે એ સંશોધનનો વિષય છે પણ વાસ્તવિક ચિત્ર તો એવું ઉપસતું હોવાનું જણાય છે કે આમ આદમી પાર્ટી સંભવતઃ કોકના હાથમાં રમી રહી છે!
ગુજરાતના આઈ.એ.એસ. અધિકારીના અહમનો ટકરાવ
આઈ.એ.એસ.અધિકારીઓ વચ્ચે સિનિયોરીટીનુ મહત્વ ખૂબ જ હોય છે અને એ મહત્વમાંથી અહમ જન્મે છે અને એ અહમ ક્યારેક સંઘર્ષ જન્માવે છે.
તાજેતરમા જ એવું બન્યું છે. ગાધીનગરમાં બેસતા એક ખાતાના વડાએ જિલ્લા કલેકટરને ફોન કર્યો.
ખાતાના વડાના પી.એ.એ જિલ્લા કલેકટરના પી.એ.ને પૂછ્યું કે તમારા સાહેબ કંઈ બેચના છે? કલેક્ટરના પી.એ.એ બેચેની વિગતો આપી તો ગાંધીનગરથી બોલતા પી.એ.એ કહ્યું કે તમારાં સાહેબને ફોન આપો તો જિલ્લાના પી.એ.એ થોડીવાર પછી જવાબ આપ્યો કે મારા સાહેબ તમારી સાથે વાત નહીં કરે.
તમારા સાહેબને ફોન આપો.
આ અંગે બન્ને પી.એ.વચ્ચે પોતપોતાના સાહેબની સિનિયોરીટી અંગે લમણાઝીંક ચાલી અને અંતે બંને આઈ.એ.એસ. અધિકારીઓ વચ્ચે વાત ન થઈ અને ફોન મુકાઇ ગયો.
મંત્રીઓ જાહેર રજાઓમાં અને રાત્રે મોડે સુધી બેસીને ફાઈલોનો નિકાલ કેમ કરવા લાગ્યા છે?
સચિવાલયમાં થતી ચર્ચાઓ જો સાચી માનીએ તો વાત જાણે એવી છે કે વર્તમાન મંત્રીળના થોડા મંત્રીઓ આજકાલ જાહેર રજાઓમાં બેસીને અથવા તો કામકાજના દિવસોમાં રાત્રે મોડે સુધી બેસીને પડતર ફાઈલોનો નિકાલ કરવા માંડ્યા છે! આનું કારણ શું છે એ સમજાતું નથી.
લોકો જે અનુમાન કરવા માંડ્યા છે એ એવાં છે કે વર્તમાન મંત્રીમંડળમાં ધરખમ ફેરફાર થવાના છે તે વાતની શક્યતા વધી જતાં હાલના મંત્રીઓએ પોતાના મનગમતા અને પોતાના મનગમતાના કામ પૂરાં કરવાનું શરૂ કર્યું છે! અલબત્ત, મંત્રીમંડળમાં ફેરફારની હવા તો ઘણા વખતથી વહેતી રહી છે એ સમયગાળો નજીક આવી ગયો હોય એવું કદાચ હોઈ શકે!
નિવૃત મુખ્ય સચિવ રાજકુમાર નિવૃતિ પછી આધ્યાત્મિક પ્રવૃત્તિ તરફ વળ્યા છે
ગુજરાત રાજ્યના આઈ.એ.એસ અધિકારીઓ નિવૃત્ત થયા પછી શું પ્રવૃત્તિ કરતા હશે એવો પ્રશ્ન ઘણાને થાય છે.ગુજરાતના તાજેતરમાં નિવૃત થયેલા મુખ્ય સચિવ રાજકુમાર નિવૃતિ પછી આધ્યાત્મિક માર્ગે વળ્યા છે એવું જાણવા મળ્યું છે.
એમ કહેવાય છે કે ગાંધીનગરમાં રહેતા રાજકુમાર દરરોજ સવારે સ્થાનિક મંદિરમાં જઈને દર્શન અને પ્રાર્થના કરે છે તેમજ ધાર્મિક ઉત્સવોમાં પણ નિયમિત રીતે ભાગ લે છે! સતત પ્રવૃત્તિમય રહેલા રાજકુમારે નિવૃતિ પછી મનને શાંતિ આપે એવી પ્રવૃત્તિમાં મન પરોવી દીધું છે એવું લાગે છે.
સચિવાલયમાં ચહલપહલ ઓછી છે
સચિવાલયમાં ચર્ચાતી વાતો જો સાચી માનીએ તો એવું તારણ નીકળે છે કે આજકાલ સચિવાલયમાં રજૂઆત કરવા આવનારાઓની સંખ્યા ઓછી રહેવા લાગી છે. તેના જે કારણો લોકોમાં ચર્ચાય છે એ એવાં છે કે
(૧)ઃ- અસહ્ય ગરમી ને કારણે સંખ્યા ઘટી છે (૨)ઃ-સચિવાલયમા પ્રવેશવા માટે સિક્યોરિટીના જે કોઠા વીંધવા પડે છે તેનાથી લોકો થાકી ગયા છે અને (૩)ઃ-રૂબરૂ આવ્યા પછી પણ કોઈ પરિણામદાયી કામ તો થતાં જ નથી! આ બધી વાતો લોકોમાં ચર્ચાય છે!