AAPના ત્રણ મહારથીઓ ઈસુદાન-ઈટાલિયા-કથીરિયા હાર્યા
(એજન્સી)જામજાેધપુર, ગુજરાત વિધાનસભાની ૨૦૨૨ ની ચૂંટણીમાં ત્રીજાે મોરચો તરીકે એન્ટ્રી કરનાર આમ આદમી પાર્ટીનુ સૂરસૂરિયુ નીકળી ગયું છે. ચૂંટણી પરિણામોમાં આપના સૂપડા સાફ થઈ ગયા છે. આમ આદમી પાર્ટીના મોટા માથા કહેવાતા ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા, અલ્પેશ કથીરિયા ભૂંડી રીતે હાર્યા છે.
આમ આદમી પાર્ટીએ ૨૦૨૨ ની ચૂંટણી આ ત્રણેય ઉમેદવારોના દામ પર લડી હતી, પરંતું આ ત્રણેય ઉમેદવારો ગુજરાતની જનતા પર જાદુ ન કરી શક્યા. તો બીજી તરફ, જ્યાં આશા ન હતી, ત્યાં આપનુ ઝાડું ફર્યુ છે. જામજાેધપુર અને વિસાવદરમાં આમ આદમી પાર્ટીની જીત થઈ છે.
આમ આદમી પાર્ટીએ જેમને મુખ્યમંત્રીનો ચહેરો તરીકે માર્કેટિંગ કર્યું, અને જામખંભાળિયાથી ચૂંટણી લડાવી, એ જ ઈસુદાન ગઢવી ભુંડી રીતે હાર્યાં છે. ભાજપના ઉમેદવાર ઈસુદાન ગઢવી સામે ૨૫ હજાર લીડથી આગળ છે. ગોપાલ ઈટાલિયા આપના પ્રદેશ અધ્યક્ષ હતા, જેઓ કતારગામથી મેદાને ઉતર્યા હતા.
પરંતુ તેઓ ભાજપના ઉમેદવાર વિનુ મોરડિયા સામે જીતી ન શક્યા. આહી ગોપાલ ઈટાલિયાને હારનો સામનો કરવો પડ્યો છે. ગોપાલ ઇટાલિયાને ૪૫૨૪૨ મત મળ્યા છે. જ્યારે વિનુ મોરડિયાને ૯૬૪૬૯ મત મળ્યા છે. આ સાથે ભાજપ ઉમેદવાર વિનુ મોરડિયાએ ૧૫ રાઉન્ડના અંતે ૫૧ હજારથી વધુ મતની લીડ નોંધાવી છે.
કતારગામ બેઠક પર આપને જીતની આશા હતી. પરંતુ આપની આશા ઠગારી નીવડી. તો કાકા કહીને કુમાર કાનાણી સામે પડનાર અલ્પેશ કથીરિયાને વરાછા બેઠક પર હારનો સામનો કરવો પડ્યો છે.
વરાછા બેઠક પર અલ્પેશ કથીરિયાની હાર બાદ ડાયલોગ ઉઠ્યો કે, કાકા સામે ભત્રીજાની હાર. આ બેઠક પર પણ આપની મજબૂત પકડ હોવાનુ ચર્ચાતુ હતુ, પરંતુ અંતે કુમાર કાનાણીની જીત થઈ. વરાછા બેઠક પર ભાજપના ઉમેદવાર કુમાર કાનાણીને ૧૭ રાઉન્ડના અંતે ૬૬૭૮૫ મત મળ્યા હતા.