AAPના વિપુલ સુહાગિયાની ACBએ લાંચ કેસમાં ધરપકડ કરી
AAPના બે કોર્પોરેટરોએ લાંચ માંગીઃ એકની ધરપકડ
(એજન્સી)સુરત, દેશમાં સૌથી મોટી ઈમાનદાર પાર્ટી હોવાનો દાવો કરતી આમ આદમી પાર્ટીના જ સુરતના બે કોર્પોરેટર સામે ૧૦ લાખની લાંચ માગવા મામલે એસીબીએ ગુનો નોંધ્યો છે.
બન્ને કોર્પોરેટરોએ મલ્ટી લેવલ ‘પે એન્ડ પાર્ક’ના કોન્ટ્રાક્ટરે શાકભાજી માર્કેટની જગ્યામાં દબાણ કર્યું હોવાનું જણાવી કોન્ટ્રાક્ટ રદ કરાવવાની ધમકી આપી ૧૦ લાખની લાંચની માગ કરી હતી.
હાલ એસીબીએ વિપુલ સુહાગિયાને ઝડપી લીધા છે અને જીતુ કાછડિયા હાલ ફરાર છે. સુરત મહાનગરપાલિકાના મગોબ ગામની સીમમાં મલ્ટી લેવલ પે એન્ડ પાર્કની સુવિધા ઉભી કરવામાં આવી છે. આ પે એન્ડ પાર્કની સુવિધાવાળી જગ્યાની બાજુમાં મહાનગરપાલિકા દ્વારા શાક માર્કેટની જગ્યા પણ ફાળવવામાં આવી હતી.
સુરત મહાનગરપાલિકાના પુણા વોર્ડ નં. ૧૬ અને ૧૭ના કોર્પોરેટર જીતુ કાછડિયા અને વિપુલ સુહાગીયાએ પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટરને શાકભાજી માર્કેટની કોર્પોરેશનની જગ્યામાં ગેરકાયદેસર દબાણ કરેલાનું જણાવી ફરિયાદી સાથે તકરાર અને બોલાચાલી કરી હતી. આ અંગે પોલીસ ફરિયાદ અને કોન્ટ્રાક્ટ રદ કરાવી દેવાની ધમકી આપી હતી.