અમદાવાદ શહેરના સર્વાંગી વિકાસની નેમ વ્યક્ત કરતાં મુખ્યમંત્રી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2024/09/CM-ABA-3-1024x683.jpeg)
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની ABA Property expo- 2024 માં પ્રેરક ઉપસ્થિતિ
પાણીના સંગ્રહ માટે “કેચ ધ રેઇન”, ગ્રીનરી વધારવા માટે “એક પેડ મા કે નામ” અને સોલાર સિસ્ટમ લગાવવા મુખ્યમંત્રીશ્રીનો અનુરોધ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદના નિકોલ ખાતે ABA (અમદાવાદ બિલ્ડર એસોસિએશન) દ્વારા આયોજીત પ્રોપર્ટી એક્સ્પો-2024 ની મુલાકાત લઈ અમદાવાદ શહેરના સર્વાંગી વિકાસની નેમ વ્યક્ત કરતાં જણાવ્યું હતુ કે, આપણા દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમના વિકાસની દિશામાં આગળ વધવા તેમણે અનુરોધ કર્યો હતો.
આજે તમે બધા સાથે મળીને એ દિશામાં ખુબ સરસ કામ કરી રહ્યા છો એમ જણાવી તેમણે કહ્યું કે, અમદાવાદના વિકાસમાં તમે ખૂબ સારું યોગદાન આપી રહ્યા છો ત્યારે પાણીના સંગ્રહ માટે “કેચ ધ રેઇન”, ગ્રીનરી વધારવા માટે “એક પેડ મા કે નામ” અને છત પર સોલાર સિસ્ટમ લગાવવા તેમણે જણાવ્યું હતું.
તારીખ 27, 28 અને 29 સપ્ટેમ્બર સુધી યોજાનાર આ એક્સપોની સફળતા માટે મુખ્યમંત્રીશ્રીએ અમદાવાદ બિલ્ડર એસોસિએશનને અભિનંદન પાઠવતા જણાવ્યું કે, તમે સરકારના નીતિ નિયમો પ્રમાણે ખુબ સરસ કામ કરો છો જેના કારણે પ્રશ્નો પણ ઓછા થયા છે પરંતુ તમારે કોઈપણ પ્રકારના પ્રશ્નો માટે ગાંધીનગર ન આવવું પડે એ પ્રમાણે રાજ્ય સરકાર કામ કરી રહી છે એમ તેમણે ઉમેર્યું હતું.
ABA (અમદાવાદ બિલ્ડર એસોસિએશન) ના પ્રમુખશ્રી હરેશભાઇ વસાણીએ સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું કે, દાદા ના હુલામણા નામથી જાણીતા આપણા લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની સરકારનો ત્રણ વર્ષનો કાર્યકાળ પૂર્ણ થયો છે ત્યારે અમદાવાદ બિલ્ડર એસોસિયેશન વતી એમને અભિનંદન પાઠવીએ છીએ.
આ પ્રસંગે વિધાનસભાના ઉપાધ્યક્ષશ્રી જેઠાભાઇ ભરવાડ, ધારાસભ્યો સર્વ શ્રી બાબુભાઇ પટેલ અને શ્રી મહેશભાઈ કસવાલા, શ્રી કંચનબેન, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણી સહિત અગ્રણીઓ, બિલ્ડરો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.