‘આડંબર ત્યજી….’ ‘બનો નિખાલસ’
દંભ કરવાની ટેવ પડી જતાં એ પોતાનો રાહ બદલી શકતો નથી તથા પોતે મનમાં ને મનમાં ફુલાય છે પરંતુ લોકોને જેમ જેમ તેની આડંબર નીતિની ખબર પડતા તેની કિંમત પાઈની થઈ જાય છે.
હાલના જમાનામાં ઘણા માનવીઓ સમાજમાં પોતાનો મોભો વધારવા આડંબર રૂપી લિબાસ પહેરીને ફરતા હોય છે. ‘ખાલી ચણો વાગે ઘણો’ કહેવત સાર્થક કરતા ઘણા માનવીઓ સમાજમાં જ્યાં ત્યાં દેખાતા હોય છે. જેઓ લોકો સમક્ષ ખોટો દેખાડો કરવામાં ને પોતાની મોટાઈ બતાવી લોકોને આંજી દેતા હોય છે.
જ્યારે અમુક પેઢીઓ કાચી પડતા અને ખોટમાં જતાં બીજા પાસેથી શરાફી પૈસા લેવા અથવા એ પેઢીઓમાં અગાઉથી જેનું રોકાણ હોય છે તેઓનો વિશ્વાસ જાળવવા તથા રોકાણકાર તે પેઢીઓમાંથી પૈસા ઉપાડી ન લે, તે માટે લોકો આડંબર કરવાં પાછા પડતા નથી અને તેમ કરતા પોતે વધુ ને વધુ કાદવ-કચડમાં ખૂંપતા જાય છે. પરંતુ સમજદારી વાપરી, ખર્ચાઓ ઓછો કરવામાં તથા સાદાઈથી રહેવામાં અને વધારે પુરુષાર્થ કરવામાં આવી પેઢીઓ ઉઠી જતા બચી શકે છે.
અમુક લોકો પોતાની પેઢીમાં રોકાણ કરાવવા લોકોને આકર્ષિત પ્રલોભનો આપે છે તો કોઈ કોઈ લોકો મોટી મિજબાની આપતા રહે છે તો કોઈક લોકો પ્રતીક ભેટો આપીને ભંડોળ ભેગું કરે છે
જેથી ધણી વખત કાચી પડતી પેઢીઓને આર્થિક કટોકટીમાંથી બહાર નીકળવાની તક મળી જાય છે અથવા અમુક સમય પોતાનું ગાડું આગળ ચલાવે છે પરંતુ ઘણી વખત વ્યક્તિગત માનવીઓ પણ આડંબર રચીને એકની ટોપી બીજાને ને બીજાની ટોપી ત્રીજાને પહેરાવતા રહે છે.
અમુક લોકો આડંબર કરી બીજાઓને છેતરવાની કળામાં પારંગત હોય છે પરંતુ લોકોએ બીજા પર ભરોસો મૂકતા પહેલા વિચાર કરવો જોઈએ. ઘણી વખત અમુક શ્રાવકો ગજા બહારની બોલીઓ બોલીને લોકો આગળ પોતાની વાહ વાહ બોલાવવામાં આડંબરનો સહારો લે છે, પરંતુ તેઓ પૈસા આપવામાં પાછા પડતા લોકોને તેઓની આડંબર નીતિનો ખ્યાલ આવે છે.
આજકાલ ધનિક વર્ગમાં આડંબર રૂપી કમોસમી વરસાદ વરસતો રહે છે જેથી નિખાલસતા રૂપી પાકનો નાશ થવા પામે છે ઘણી વખત અમીર કુટુંબની કન્યા પસંદ કરવામાં અમુક વરપક્ષના મોવડીઓ આડંબર રૂપી મહેલ રચીને કન્યાપક્ષને છેતરે છે પરંતુ પછી કન્યા પક્ષને આવી જાળમાં ફસાયાનો અંદાજ આવે છે પરંતુ તે વખતે ઘણું મોડું થઈ ગયું હોય છે.
અમુક લોકો પૈસે ટકે ખોખલા થઈ જતા વિવિધ યુક્તિઓ રચીને ખોટો દેખાડો કરે છે ને લોકોને લલચાવીને પોતાની યોજનામાં ફસાવે છે. આડંબર નીતિ અપનાવતા લોકો તેનામાંથી વિશ્વાસ ગુમાવે છે અને તે સમાજમાં તથા વેપારમાં નામોશી મેળવે છે. આડંબરમાં રાચતો માનવી પોતે તો સમજતો જ હોય છે કે ‘આડંબર’ તો મિથ્યા છે. અને આડંબર રૂપી મુખવટો ઉતરી જતા પોતાનો ચહેરો ખુલ્લો થઈ જતાં સમાજમાં તે ભોંઠોં પડી જાય છે.
દંભ કરવાની ટેવ પડી જતાં એ પોતાનો રાહ બદલી શકતો નથી તથા પોતે મનમાં ને મનમાં ફુલાય છે પરંતુ લોકોને જેમ જેમ તેની આડંબર નીતિની ખબર પડતા તેની કિંમત પાઈની થઈ જાય છે.
ઘણા લોકો આડંબર કરવામાં પૈસાનો ધૂમાડો કરતા હોય છે અને અડોશ- પડોશ, નાત-જાતમાં, વેપારી વર્ગમાં લોકો તેની વાહ વાહ કરે તેવું તેઓને સારૂં લગાવવા સારું પૈસા ખરચવામાં પાછું જોતા નથી અને તે ઉપરથી નીચે પટકાય છે. આડંબર નીતિ પોષતો માનવી ક્યારે અને ક્યાં ફેંકાઇ જાય છે તે તેને ખબર પડતી નથી.
લોકોની નજરમાં પોતાનું મહત્વ, પોતાની જાહોજલાલી બતાવવા ખોટો દેખાડો કરવા પૈસા પાણીની માફક વહેડાવે છે. પરંતુ આ આડંબર અમુક સમય સુધી ચાલે પરંતુ લાંબા સમય સુધી ખોટો દેખાડો બતાવવા માટે ખર્ચો કરતા કરતા પોતે ખાલી થતો જાય છે અને છેવટે તેના હાલ બેહાલ થાય છે.
માનવીમાં નિખાલસતા હોવી જરૂરી છે. નિખાલસ માનવી સમાજમાં પ્રિય બની રહે છે. લોકો તેનામાં વિશ્વાસ રાખે છે જેથી તે માનવી સમાજમાં તથા વેપારમાં પણ પોતાનું નામ રોશન કરે છે.
આડંબર રૂપી ઢાલથી માનવી અમુક સમય સુધી પોતાની જાતને સમાજમાં બચાવી શકે છે, પરંતુ વિજય મેળવવા ‘નિખાલસતા’ નામનું બાણ તાકતા રહેવું જોઈશે.